ભાવનગરઃ શહેરમાં લોકડાઉન ચારમાં પણ લગ્ન શરણાઈ વાગી છે. ભાવનગર શહેરના કર્મચારીનગર ફુલસર વિસ્તારમાં રહેતા અજીતભાઈ ત્રિવેદીની સુપુત્રીના લગ્ન આજના દિવસે નીર્ધારીત કરવામાં આવ્યા હતા. બ્રાહ્મણ સમાજની દીકરી હોવાથી અને શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે લગ્ન વિધિ જરૂરી હોવાથી ત્યારે ભાવનગરના રાજકોટ રોડ પર ઓમ પાર્ટી પ્લોટ ખાતે લગ્ન યોજવામાં આવ્યા હતા. નિયમાનુસાર શાસ્ત્રોક્ત રીતે લગ્ન સવારમાં યોજાયા હતા.
કન્યા વૃંદા અને વર પાર્થ મોઢે માસ્ક બાંધીને લગ્નવિધિ પૂર્ણ કરી હતી. તો બંને વર કન્યાના પક્ષ દ્વારા મોઢે માસ્ક અને સેનીટાઇઝરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. લગ્નમાં એક બીજાથી ખાસ અંતર જાળવવામાં આવ્યું હતું. વર પક્ષ તરફથી માત્ર જૂનાગઢથી ૯ લોકોને લઈને જાન ભાવનગર આવી હતી. લગ્ન વિધિ સાદગીથી પૂર્ણ કરીને અજીતભાઈ અને ભાવનાબેન ત્રિવેદીએ તેમની પુત્રીને નવી જિંદગીના પગલા પાડવા કોરોના જેવી મહામારીમાં હિંમત આપીને વિદાય આપી હતી.