ભાવનગર : સમગ્ર ગુજરાત આજે દૂધ-પૌવા આરોગીને શરદપૂનમની ઉજવણી કરે છે. ત્યારે ભાવનગરમાં વર્ષોથી ઊંધીયાની પરંપરા ચાલી આવે છે. ભાવનગર શહેરમાં એક દિવસમાં લાખો રૂપિયાનું ઊંધિયું ભાવેણાવાસીઓ ચટ કરી જશે. ઊંધિયા સાથે ટેકામાં દહીવડા અને ગુલાબજાબું પણ હોય છે. જોકે ભાવનગરમાં અગાઉ દૂધ પૌવાનું જ ચલણ હતું, પરંતુ ઊંધીયાની પરંપરા ક્યાંથી આવી તેનો જવાબ ભાવનગરના દવે દાદા મીઠાઈવાળાના સંચાલક જણાવી રહ્યા છે. જુઓ ભાવનગરમાં ઊંધીયાનું ખાસ મહત્વ
શરદપૂનમમાં ઊંધીયાની વિશેષ માંગ : ભાવનગરમાં શરદપૂનમની તૈયારી બે દિવસ અગાઉ થઈ જાય છે. ભાવનગરમાં દવે દાદા મીઠાઈ વાળા હોય કે અન્ય વ્યાપારીઓ તેઓ શરદપૂનમના એક દિવસ પૂર્વે શાકભાજી લાવવામાં આવે છે. કોઈપણ નાના વ્યાપારી આશરે 20 કિલો ઊંધિયું બનાવતા હોય છે. ત્યારે ભાવનગરમાં શરદપૂનમમાં એક દિવસ પૂર્વે શાક સમારતી મહિલાઓના દ્રશ્યો શરદપૂનમની સાક્ષી પુરાવે છે. શરદપૂનમના દિવસે વહેલી સવારે 5 કલાકથી વ્યાપારીઓ ઊંધિયું બનાવવાનું શરૂ દેતા હોય છે. શહેરમાં પ્હો ફાટતા થતા ઊંધીયાની માંગ શરૂ થઈ જાય છે.
ભાવનગરવાસીઓનો હટકે ટેસ્ટ : ભાવનગરમાં અલગ અલગ વ્યાપારીઓનું ઊંધિયું જાણીતું હોય છે. ત્યારે ભાવનગરમાં પ્રસિદ્ધિ પામેલા દવે દાદા મીઠાઈવાળાના સંચાલક કિશનભાઈ દવેએ જણાવ્યું હતું કે, મારા દાદાએ 100 વર્ષ પહેલા ભાવનગરમાં ઊંધીયાના વ્યાપારની શરૂઆત કરી ત્યારે શહેરમાં દૂધ પૌવા જ ખવાતા હતા. મારા દાદાએ ઊંધિયું શરૂ કર્યું ત્યારથી ભાવનગરવાસીઓ ઊંધિયું આરોગી રહ્યા છે. હું ત્રીજી પેઢી અને મારા દીકરાઓ ચોથી પેઢીથી વ્યવસાય ચલાવીએ છે. અમારે ભાવનગર અને સુરત એમ બે શાખાઓ છે. દવે દાદાના નામે તમારું વેચાણ હોય છે. લોકો શરદપૂનમે ઊંધિયું, દહીંવડા, ગુલાબજાબું અને ચીકુનો હલવો વગેરે મીઠાઈ આરોગીને દિવસ ઉજવે છે.
શાકનો રાજા- ઊંધિયું : ભાવનગર શહેરના લોકોના ટેસ્ટને પગલે કિશનભાઈ દવેએ જણાવ્યું હતું કે, રેસિપી તો અમે ભાવનગરના લોકોના ટેસ્ટ પ્રમાણે બનાવીએ છીએ. લોકોનો ટેસ્ટ ટેસ્ટફૂલ છે. લોકોના ટેસ્ટ મુજબ અમે ઊંધિયું બનાવતા હોય છીએ. ઊંધીયાને શાક કહેવામાં નથી આવતું તેને ઊંધિયું જ કહેવાય છે. ઊંધિયું શાકનો રાજા છે. ઊંધિયામાં મુઠડી, સબ્જી, ડ્રાયફ્રુટ વગેરે નાખીને ટેસ્ટફૂલ બનાવવા કોશિશ કરીએ છીએ. ઘણા લોકો એમ કહે છે કે અમે ખાસ ઊંધિયું ખાવા ભાવનગર આવીએ છીએ.
ઊંધિયાના ભાવ શું ? ભાવનગર શહેરવાસીઓને શરદપૂનમે ઊંધિયું આરોગવાની પરંપરા જાળવી રાખવામાં આવી છે. શરદપૂનમ હોય એટલે ભાવનગરવાસીઓ ટેસ્ટફૂલ ઊંધિયાની શોધમાં હોય છે. ઊંધિયાના ટેસ્ટની સાથે ભાવ ઉપર પણ ભાવનગરવાસીઓ નજર રાખતા હોય છે. ભાવનગરના નાગરિક પ્રશાંતભાઈએ જણાવ્યું હતું કે, શરદપૂનમની પરંપરા સમગ્ર ગુજરાત કરતા ભાવનગરમાં અલગ છે. ભાવનગરમાં ઊંધિયું ખાઈને ઉજવણી થાય છે. જોકે ગુજરાતમાં દૂધ પૌવાનું ચલણ છે. ઊંધિયાના ભાવ જોઈએ તો ગત વર્ષ કરતા નજીવો વધારો જોવા મળ્યો છે. ભાવનગરમાં ઊંધિયું 240 થી લઈને 300 રૂપિયાની અંદર વહેંચાઈ રહ્યું છે.