સમગ્ર દેશને આરોગ્ય ક્ષેત્રે સારી સેવા મળી રહે તેવા હેતુથી દેશના વડાપ્રધાને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાનો પ્રારંભ કર્યો છે, ત્યારે આવી યોજનાના કાર્ડ માત્ર સરકારી જે તે કચેરીઓ મારફત નીકળતા હોઈ છે. પરંતુ, કેટલાક ગુનાહિત પ્રવૃત્તિ વાળા તેને ગેર કાયદેસર બનાવીને ધંધો બનાવી લેતા હોઈ છે.
ભાવનગર આરોગ્ય વિભાગને મળેલી ફરિયાદના આધારે સ્ટીંગ ઓપરેશન કરવામાં આવ્યું હતું. જેમાં બોટાદના લાભાર્થીને વલભીપુર પ્રસંગ સમયે હાર્ટ એટેક આવતા સારવારમાં ભાવનગર ખાતે ખસેડાયા હતાં. બાદમાં તેના પ્રધાનમંત્રી જન આરોગ્ય કાર્ડ કાઢવા માટે પરેશભાઈ કાન્તીભાઈ ઝીન્ઝરીયા સાથે મુલાકાત થઇ હતી. જે કાર્ડ તેને 500 રૂપિયામાં કાઢી આપ્યું હતું. આ કાર્ડ સારવારમાં રહેતા બોટાદના લાભાર્થીનું HCG હોસ્પિટલમાં આપતા ડુપ્લીકેટ હોવાનું સામે આવ્યું હતું. જેથી લાભાર્થીએ ભાવનગર જીલ્લા પંચાયત ખાતે ફરિયાદ કરી હતી. ફરિયાદ બાદ આરોગ્ય વિભાગે સ્ટીંગ ઓપરેશનનું આયોજન કર્યું હતું
શહેરના જશોનાથ ચોક ખાતે લાભાર્થીને બોલાવતા આરોગ્ય વિભાગની ટીમે પૈસા પરત આપતા વચેટિયા પરેશભાઈને પોલીસની હાજરીમાં ઝડપી લીધો હતો. પરેશે નિવેદનમાં જણાવ્યું હતું કે તળાજાના કોઈ ચેતનભાઈ બારૈયા પાસે તેઓ કાર્ડ કઢાવે છે. જે છેલ્લા 3 વર્ષથી આ પ્રકારના કામ તે ચેતન પાસે કરાવી રહ્યો છે.
વચેટિયાના નિવેદન બાદ આરોગ્ય વિભાગે ચેતન બારૈયાને ઝડપવા માટે કાર્યવાહી હાથ ધરી હતી. સુત્રોના જણાવ્યાં પ્રમાણે FIR દાખલ કરાવવાની તજવીજ પણ આરોગ્ય વિભાગે હાથ ધરી હતી. સ્ટીંગ ઓપરેશન ટીમમાં આરોગ્ય અધિકારીના માર્ગદર્શન હેઠળ DCP હરિયાલી ઉપાધ્યાયની ટીમ જોડાઈ હતી અને સ્ટીંગ ઓપરેશનને પાર પાડવામાં સફળતા મેળવી હતી.