ભાવનગર DSP કચેરીમાં ફરજ બજાવતા સુખદેવ શિયાળ નામના કોન્સ્ટેબલે પોતાના જ ત્રણ બાળકોને મોતને ઘાટ ઉતારી દીધા છે. આજે બપોરના સમયે ઘરમાં કંકાશ થયો હતો. જેનો ગુસ્સો સુખદેવે પોતાના જ માસુમ બાળકો પર ઉતાર્યો હતો. ગુસ્સો એટલી હદે હતો કે, સુખદેવે ખુશાલ, ઉદ્દભવ, મનોનીત નામના બાળકોના ગળા તીક્ષ્ણ હથિયાર વડે કાપી નાંખ્યા હતાં. ત્રણેય બાળકોએ તેની નજર સામે તરફડી જીવ ગુમાવ્યો હતો. આ ઘટનાની જાણ આસપાસના લોકોને થતાં તેઓએ પોલીસને જાણ કરી હતી. ત્યારબાદ DYSP ઠાકર સહિતના જિલ્લાભરની પોલીસનો કાફલો નવી પોલીસ લાઈન ખાતે પહોંચી ગયો હતો.
પોલીસે હાલમાં હત્યારા બાપને પકડી લીધો છે. ઝઘડાનું કારણ શું હતુ તે હજુ બહાર આવ્યુ નથી. પરંતુ લોહીના ખાબોચીયામાં પડેલી માસુમોના મૃતદેહ જોઈ સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. હ્દયદ્રાવક અને કાળજુ કંપાવનારા બનાવથી પોલીસ અને આસપાસના લોકો ચોંકી ઉઠ્યા છે.
સૌ કોઈ આ પોલીસ કોન્સ્ટેબલ પર ફિટકારની લાગણી વરસાવી રહ્યા છે. ઝઘડો કોની સાથે અને કેમ થયો હતો તે દિશામાં ભાવનગર પોલીસે તપાસ આદરી છે.