ભાવનગરઃ જિલ્લાના જેસરથી બગદાણા જઈ રહેલો બોલેરો પિકપ ટેમ્પો અચાનક પલટી મારી જતાં મહિલાઓને ઈજા પહોંચી હતી. ટેમ્પોમાં સવાર 15થી 20 મહિલાઓ રસ્તા પર ફંગોળાઈ ગઈ હતી. ત્યારે આસપાસના લોકો તેમની મદદે દોડી આવ્યા હતા અને ટેમ્પોને સીધો કરીને ઇજાગ્રસ્તોને મહુવા સારવારમાં ખસેડ્યાં હતાં. જોકે, પોલીસ ચોપડે હજુ કોઈ નોંધ મોડે સુધી થઈ નહતી.
આ પણ વાંચોઃ Surat News : રમી રહેલી માસૂમ બાળકી કાકાના કારની અડફેટે આવી જતા કરુણ મૃત્યુ
ઈજાગ્રસ્ત મહિલાઓને હોસ્પિટલ ખસેડાઈઃ મળતી માહિતી અનુસાર, જેસરથી બગદાણા તરફ બોલેરો પિકપમાં ખેતમજૂરો બગદાણા તરફ જતા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. બોલેરોમાં માત્ર મહિલાઓ હતી. બોલેરો પિકપ બેડા ગામ પાસે રસ્તા ઉપર પલટી મારી ગયો હતો. રસ્તા પર માલસામાન વિખેરાય તેવી રીતે મહિલાઓ વિખેરાઈ ગઈ હતી. મહિલાઓને ઇજા થતાં મહુવા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.
પલટી મારવા પાછળ પ્રાથમિક કારણઃ જેસરથી રોજ ખેતમજૂરો અલગઅલગ ગામડાઓમાં ખેતમજૂરી માટે જતા હોય છે. જેસરના બોલેરો પિકપ ચાલક આજ સવારે નીકળ્યા બાદ બેડા પાસે સ્ટેરિંગ પર કાબૂ ગુમાવ્યો હતો. સૂત્રોના જણાવ્યા મુજબ, ઘેટાં જેવું પશુ રસ્તામાં આડું ઉતરતા તેને બચાવવામાં બોલેરો પિકપ પલટી મારી ગઈ હતી. મહિલાઓ ખુલ્લા પિકપ વાહનમાં હોવાથી રસ્તાઓ પર ફંગોળાઈ ગઈ હતી. રસ્તા પર બોલેરો પિકપ વાહન અને તેનો નંબર વીડિયોમાં GJ 14W 6030 સામે આવ્યો છે.
આ પણ વાંચોઃ Accidental Death in Surat : સુરતમાં સિટી બસે માતાપુત્રીને અડફેટે લીધી, એકનું મોત
મહિલાઓ હોસ્પિટલમાં દાખલઃ જેસરથી ઉપડેલા બોલેરો પિકપ વાહનમાં આશરે 15થી 20 મહિલાઓ હતી. વૃદ્ધ, આધેડ અને યુવાન મહિલાઓને કોઈને હાથના ભાગે, કોઈને માથાના ભાગે ઈજા પહોંચી હતી. આ ઘટનાના આવેલા વીડિયોમાં એક મહિલાને રસ્તા પર પમ્પિંગ પણ કરવામાં આવી રહ્યું જોવા મળે છે. સૂત્રોના મતે, દરેક મહિલાઓને મહુવા સિવિલમાં ખસેડવામાં આવી હતી. જોકે, એક પણ જાનહાની નહીં થઈ હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. તો બનાવને પગલે બગદાણા, મહુવા કે ખૂટવડા પોલીસ પાસે કોઈ વિગત સામે આવી નહતી. જ્યારે મહુવા સિવિલમાં સારવાર બાદ મહુવા પોલીસને જાણ હોસ્પિટલ થકી કરાશે.