ભાવનગર : ભક્તો અને ખેલૈયાઓના હૃદય પર નવલા નોરતા દસ્તક દઈ રહ્યા છે. ત્યારે ભાવનગરમાં કુંભાર સમાજ દ્વારા એક મહિના પહેલા જ કલાત્મક ગરબા બનાવવાનો પ્રારંભ થઈ જાય છે. આખા વર્ષની કમાણી એક વર્ષમાં મેળવી લેવાની આ ઉત્તમ તક હોય છે. ભાવનગરના કુંભારવાડામાં રહેતા કુંભારભાઈઓ એક માટીનો ગરબો બનાવવા માટે રાત-દિવસ મહેનત કરી રહ્યા છે. જુઓ આ એક ગરબો બનાવવા માટે કુંભાર પરિવારોની મહેનત કેવી હોય છે.
નવરાત્રીમાં ગરબાનું મહત્વ : ભાવનગર શહેરના કુંભારવાડામાં મોટી સંખ્યામાં કુંભાર પરિવાર વસવાટ કરે છે. ત્યારે કુંભારવાડામાં ગરબા બનાવવાનો પ્રારંભ નવરાત્રીના એક મહિના પહેલા કરી દેવામાં આવે છે. ગરબા બનાવતા નરેશભાઈ ધંધુકિયાએ જણાવ્યું હતું કે, અમારી તૈયારીઓ એક મહિના અગાઉ થઈ જાય છે. અમે મહિના પહેલા માટી લાવીને ચાકડા ઉપર ચડાવી માટલા, દીવા અને ગરબા બનાવવાની શરૂઆત કરીએ છીએ. ત્યારબાદ ગરબાઓ તૈયાર થતાં જ તેના પર કલાત્મક ચિત્રકામ અને કલરકામ કરવામાં આવે છે.
આવી રીતે બને છે ગરબા : ભાવનગરમાં રહેતા કુંભાર પરિવારો નવરાત્રીના એક માસ પહેલા ગરબા તૈયાર કરે છે. માટી લાવવી, ગરબાનું નિર્માણ કરવું અને ત્યારબાદ ભઠ્ઠીમાં તેને તૈયાર કર્યા બાદ કલરકામ કરીને કલાત્મક રૂપ આપવા સુધીની મહેનત હોય છે. જોકે આજના આધુનિક સમયમાં લોકોનું આકર્ષણ વધે તેવા ગરબાની માંગ વધી રહી છે. ત્યારે ગૌરીબેન ધંધુકિયાએ જણાવ્યું હતું કે, અમે નાના બાળકો સહિત સમગ્ર પરિવાર એક મહિના સુધી કામે લાગી જઈએ છીએ. ટીકા લગાવા, શણગાર કરવો, કલરકામ કરવા સહિતના કામ કરીને ગરબાને અમે કલાત્મક રૂપ આપીએ છીએ. સવારે વહેલા ઉઠી જઈએ છીએ અને રાત્રે મોડે સુધી કામ કરીએ છીએ. કારણ કે, આ અમારો કમાણીનો સમય છે. અમે 2000 જેટલા ગરબા બનાવીને તેને એક મહિનાની અંદર પુરા કરીએ છીએ.
માટીના કલાત્મક ગરબા : ભાવનગરના કુંભારવાડામાં કુંભાર પરિવારો દ્વારા તહેવાર અને જરૂરિયાત પ્રમાણે માટીની ચીજવસ્તુઓ બનાવવામાં આવે છે. નવરાત્રીના એક માસ પહેલા શ્રાદ્ધના મહિનામાં વિવિધ કલાત્મક ગરબા બનાવવામાં આવે છે. ત્યારે આ અંગે કુંભાર પરિવારના ગૃહિણી ભાનુબેને જણાવ્યું હતું કે, અમે કુંભારવાડામાં રહીએ છીએ અને માટલા, ગરબા, કોડિયા સહિતની ચીજો બનાવીએ છીએ. અમારો વેચાણ માટેનો થડો ઘોઘા જકાતનાકા ખાતે આવેલો છે. અમે માતાજીનું કામ હોવાથી ફાયદો જોતા નથી. આથી ગરબા અને કોડિયાના વેચાણ બાદ અમને માતાજીની દયાથી નફો મળી રહે છે.