જુનાગઢઃ જુનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી માટે 16 મી તારીખે મતદાન હાથ ધરાવા જઈ રહ્યું છે ત્યારે વોર્ડ નંબર 6ના અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડતા કિશોર સાવલિયાએ પોતાનો પ્રચાર એક અલગ અંદાજમાં શરૂ કર્યો છે. ના કોઈ કાર્યકરોનો મોટો કાફલો, ના ડીજે નો ઘોંઘાટ, ના ટ્રાફિકમાં નડતર રૂપ બની જામ કરવો... તેમના ચૂંટણી પ્રચારમાં આવી બધી સમસ્યાઓ જોવા મળતી નથી. તેઓ એકમાત્ર તેમના ચૂંટણી નિશાન હેલ્મેટની સાથે પોતાની બાઈક પર ચૂંટણી પ્રચાર કરીને લોકોને ચૂંટણી પ્રચારો દરમિયાન થતી સમસ્યાઓમાંથી પણ મુક્તિ અપાવી રહ્યા છે. હાલ છ નંબરના વોર્ડના ઉમેદવાર કિશોરભાઈ સાવલિયા તેમના ચૂંટણી પ્રચારને લઈને સમગ્ર ચૂંટણી પ્રચારમાં અલગ તરી આવ્યા છે.
હેલ્મેટને રાખ્યું ચૂંટણી ચિહ્ન
જુનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય ચૂંટણીને લઈને આગામી 16 મી તારીખે મતદાન હાથ ધરાવા જઈ રહ્યું છે. ત્યારે વોર્ડ નંબર 6 ના અપક્ષ ઉમેદવાર કિશોર સાવલિયા તમામ ઉમેદવારોથી અલગ પ્રકારે પોતાનો ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. વર્તમાન સમયમાં ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સહિત ચૂંટણી લડતાં મોટાભાગના ઉમેદવારો તેમની સાથે તેમના કાર્યકરો અને ડીજેની સાથે મોટા કાફલા રાખીને ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત જોવા મળે છે. બિલકુલ તેનાથી ઉલટું કિશોર સાવલિયા એકમાત્ર તેમના બાઈક પર તેમનું ચૂંટણી પ્રતીક હેલ્મેટ અને બીજી બાજુ અગાઉથી જ રેકોર્ડ કરીને રાખેલું નાનું માઇક લગાવીને જે વિસ્તારમાં પસાર થાય ત્યાંથી તેઓ જાતે પોતાનો પ્રચાર કરી રહ્યા છે. જે કોર્પોરેશનની ચૂંટણી પ્રચારમાં એક અલગ ઉમેદવાર તરીકે પણ તરી આવે છે.
પ્રદૂષણ મુક્ત ચૂંટણી પ્રચાર
ચૂંટણી પ્રચારમાં રાજકીય પક્ષો અને કેટલાક ઉમેદવારો પોતાની સાથે ખૂબ મોટા કાર્યકરોના કાફલો અને બાઈક અને કારોની વધુ સંખ્યા સાથે ખૂબ ઊંચા અવાજે વાગતું ડીજે ચૂંટણી પ્રચારના વર્તમાન સાધનો બની રહ્યા છે. તેની વચ્ચે કિશોરભાઈ સાવલિયા પોતાના ચૂંટણી ચિહ્ન હેલ્મેટની સાથે તેમની બાઈક પર લગાવવામાં આવેલું નાનું માઈક કે જેમાં તેમની ઉમેદવારી અને તેમના ચૂંટણી ચિહ્નને લઈને લોકોને વ્યક્તિગત રીતે માહિતગાર કરી રહ્યા છે. વધુમાં તેઓ તેમની સાથે કોઈપણ કાર્યકર કે ટેકેદારને પણ રાખતા નથી. તેઓ વ્યક્તિગત અને સ્વતંત્ર એકલા ચૂંટણી પ્રચાર કરે છે. જેથી કોઈપણ વિસ્તારમાં ચૂંટણી પ્રચાર દરમિયાન ટ્રાફિકજામની સમસ્યા પણ થતી નથી સાથે સાથે ખૂબ ઊંચા અવાજે વાગતા ડીજેથી પણ લોકોને મુક્તિ મળી છે. આ પ્રકારે ચૂંટણી પ્રચાર કરી રહેલા કિશોર સાવલિયા જુનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પ્રચારની દ્રષ્ટિએ એક અલગ ઉમેદવાર તરીકે તરી આવ્યા છે.
![નેતાનો ચૂંટણી પ્રચાર](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10-02-2025/gj-jnd-02-election-vis-01-byte-01-pkg-7200745_10022025142735_1002f_1739177855_272.jpg)
જોકે અહીં જોવાનું એ પણ રહે છે કે, લોકો આ પ્રકારે સાદગીથી પ્રચાર કરતા ઉમેદવારથી વધુ આકર્ષીત થાય છે કે પછી ટ્રાફિક જામ, ઘોંઘાટ અને શક્તિપ્રદર્શન કરતા નેતાઓથી. આગામી સમયમાં ચૂંટણી પરિણામો તેનું ચિત્ર સ્પષ્ટ કરી નાખશે.
![જુનાગઢના ઉમેદવારનો ચૂંટણી પ્રચાર](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10-02-2025/gj-jnd-02-election-vis-01-byte-01-pkg-7200745_10022025142735_1002f_1739177855_1087.jpg)