- બિનવારસી હાલતમાં મળ્યા મુખ્યમંત્રી અમૃતમ કાર્ડ
- ભાવનગરના બોરતળાવ પાસે 150થી વધુ કાર્ડ મળ્યા
- કાર્ડ બિનવારસી મળતા જિલ્લા પંચાયત અને મનપાના અધિકારીનો જવાબ
ભાવનગરઃ શહેરના બોરતળાવ ઇસ્કોન કલબ પાછળના ભાગે મુખ્યમંત્રી અમૃતમ કાર્ડ બિનવારસી મળી આવ્યા છે. ત્યારે હવે સરકારે લાભાર્થી સુધી પહોંચતા કરવા બંને આરોગ્ય વિભાગને કામગીરી સોંપી છે. હવે કાર્ડ બિનવારસી મળતા બંને આરોગ્ય વિભાગ એક બીજા પર આરોપ કરી રહ્યા છે. નવીન વાત એ છે કે, કાર્ડ ફેંક્યા કોને તેની તપાસ પણ આરોગ્ય વિભાગ જ કરશે. બોલો લ્યો છે ને વાત "ઘરના ભુવા અને ઘરના ડાકલા" જેવી.
બિનવારસી હાલતમાં મળ્યા મુખ્યમંત્રી અમૃતમ કાર્ડ
બોરતળાવના પાછળના ભાગમાં મુખ્યમંત્રી અમૃતમ કાર્ડ 150થી વધુની સંખ્યામાં મળી આવ્યા છે. ત્યારે સવાલ ઉભો થયો છે કે, શું કાર્ડ લાભાર્થી સુધી નથી પહોંચ્યા..? કઈ રીતે બિનવારસી હાલતમાં મળી આવ્યા જો કે કાર્ડ ક્યા વિસ્તારના લોકોના છે, તે અંગેની પ્રાથમિક માહિતી પણ મળતી નથી.
કાર્ડ બિનવારસી મળતા જિલ્લા પંચાયત અને મનપાના અધિકારીનો જવાબ
કાર્ડ બિનવારસી મળી આવતા આરોગ્ય વિભાગ સામે આંગળી જરૂર ચીંધાઈ છે, ત્યારે મહાનગરપાલિકાના અધિકારી આર કે સિંહ કહે છે કે, અમૃતમ કાર્ડ વિતરણની કે કાઢી આપવાની જવાબદારી જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગની છે. ત્યારે જિલ્લા પંચાયતના આરોગ્ય અધિકારી તાવીયાડ કહે છે કાર્ડ 2012ના છે. વર્ષ 2012માં જ રાજ્ય સરકારે મુખ્યમંત્રી અમૃતમ કાર્ડ બહાર પાડ્યા હતા. મનપા અને જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગને એક્ટિવ સ્થિતિમાં વિતરણ કરવા માટે આપ્યા હતા. પ્રાથમિક દ્રષ્ટિએ આ કાર્ડ શહેરી વિસ્તારના છે, અધિકારીએ આમ કહીને માથેથી ખંખેરીને દોશનો ટોપલો મનપા પર ઢોળયો છે.
બોલો લ્યો...! તપાસ પણ આરોગ્ય વિભાગ કરશે
બિનવારસી મળેલા કાર્ડ એક સાથે 150 લાભાર્થી સાથે મળીને ફેંકે નહિ એટલે કે, આ કાર્ડ લાભાર્થી સુધી નથી પહોંચ્યા તે પ્રાથમિક દ્રષ્ટિએ સ્પષ્ટ થાય છે. કાર્ડ વિતરણની જવાબદારી મહાનગરપાલિકા અને જિલ્લા પંચાયતની હતી. એટલે તેમના જવાબદર અધિકારી કે કર્મચારીએ લાભાર્થી સુધી કાર્ડ પહોંચાડ્યા નથી તે ફળીભૂત થઈ રહ્યું છે, હવે પંચાયતના અધિકારીઓ મનપાના આરોગ્ય વિભાગ પર આરોપ લગાવી રહ્યુ છે કે, જવાબદારી મનપાની છે તેના વિસ્તારમાંથી મળ્યા છે એટલે તપાસ પણ મનપા અધિકારીઓ જ કરશે. નવાઈની વાત એ છે કે, જેની જવાબદારી વિતરણની હતી તેને ક્યાંક નથી કર્યા એટલે જ ફેંકાયેલી હાલતમાં મળ્યા છે. હવે તે જ ફેંકાયેલી હાલતમાં મળેલા કાર્ડની તપાસ કરે તો શું સત્યતા બહાર આવશે ખરી ?
સરકારે ખાસ તપાસ કમિટી બનાવવી જોઈ કે કેમ ?
ભાવનગરમાં કાર્ડ મળવા કે દવાઓ ફેંકેલી હાલતમાં મળવી આ બનાવો બની ચુક્યા છે. હવે કાર્ડ મળવા પાછળ જો સરકાર ઢીલી નીતિ રાખશે તો આરોગ્ય વિભાગમાં તો કોઈક એવું છે જે પોતાની ફરજ નિભાવતા નથી અને લાભાર્થીઓને લાભ મળતો નથી. ત્યારે હવે સરકાર સમજીને જો ચોકસ કમિટી બનાવીને ઊંડાણની તપાસ કરે તો જ સાચી હકિકત સામે આવી શકે છે. ચોક્કસ તપાસ નહિ થાય તો લાભાર્થીઓના લાભ આમ જ બોરતળાવની પાળીએ રજળતા જોવા મળશે તે નિશ્ચિત છે.