ભાવનગર : શહેર અને જિલ્લામાં અગાવ પણ નકલી નોટો સાથે પકડાયેલા કિસ્સાઓ સામે આવ્યા છે. ત્યારે ભાવનગરની લોકલ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા બાતમીના આધારે નકલી નોટો સાથે ત્રણ શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા છે. પોલીસને મળેલી સફળતા બાદ નકલી નોટો ક્યાંથી આવી અને તેમનું નેટવર્ક શું છે તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે.
નકલી નોટો સાથે ત્રણ પકડાયા : LCB પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે મળેલી બાતમીને આધારે શહેરના પ્લોટ ગેટ પોલીસ ચોકી નજીક આવેલા નવા બિલ્ડીંગની પાછળ માં જાહેર રસ્તા ઉપર ત્રણ શખ્સો વાહનો સાથે ભારતીય ચલણી નોટોનો વહીવટ કરતા હોવાની બાતમી મળી હતી. ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમીને પગલે સ્થળ ઉપર જતા ત્રણ શખ્સો નકલી નોટો સાથે ઝડપાઈ ગયા હતા. પોલીસે ધોરણસર ત્રણેય શખ્સોની અટકાયત કરી હતી. નકલી નોટો પણ કબજે કરવામાં આવી હતી.
LCB પોલીસે નૈતિક ભાવેશભાઈ મોદી, તોસીફ રફીકભાઈ પરમાર અને જયરાજસિંહ પ્રફુલ સિંહ ગોહિલ પ્લોટ ગેટ પોલીસ નજીક વાહન સાથે 500ના દરની 62 નકલી નોટો નો વહીવટ કરતા ઝડપાયા હતા. LCB પોલીસે ફોન, ટેબલેટ અને સ્કૂટર મળીને કુલ 1,16,310 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. DSP હર્ષદ પટેલે જણાવ્યું હતું કે, પકડાયેલા ત્રણ પૈકી તોસિફ રફિકભાઈ પરમાર ઉપર જીએસટી બોગસ ફાઈલ બનાવવાના કેસમાં આરોપી હતો અને જીએસટી અધિકારી ઉપર હુમલો કરવાના કેસ પણ નોંધાયેલો છે. હવે ત્રણેય શખ્સો ક્યાંથી નકલી નોટો લાવ્યા તેને લઈને તપાસ કરવામાં આવી રહી છે. ત્રણેય નકલી નોટોનું નેટવર્ક ક્યારથી ચલાવે છે અને ક્યાંથી લાવ્યા વગેરે તપાસ કરવામાં આવી રહી છે.
તપાસ હાથ ધરાઇ : ભાવનગર શહેરના અલકા ટોકીઝ નજીક પકડાયેલ નકલી નોટ પ્રકરણમાં DSP હર્ષદ પટેલની અધ્યક્ષતામાં રી-કન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓની ઉપસ્થિતિમાં DSP દ્વારા રી કન્સ્ટ્રક્શન કર્યું હતું. હાલમાં માત્ર 62 નકલી નોટો પકડાઈ છે. DSP હર્ષદ પટેલે જણાવ્યું હતું કે, પકડાયેલા ત્રણેય શખ્સોને પૂછતાછ કરવામાં આવી રહી છે. કોઈ દેશવિરોધી કે સમાજ વિરોધી પ્રવૃત્તિ તો નથી તેની તપાસ કરવામાં આવી રહી છે.