ભાવનગર જીલ્લામાં સરેરાશ 120% જેટલો વરસાદ ચોમાસાની સિઝનમાં વરસી ચુક્યો છે. અમુક જીલ્લામાં 150% કરતા વધુ વરસાદથી અતિવૃષ્ટિ જેવી સ્થિતિ સર્જાય છે. જેને લઇ ખેતરોમાં પાણી ભરાય જવા, કપાસના તૈયાર પાક પર આવેલા ઝીન્ડવા પલળી જવા, ખરી જવા પામ્યા છે. જયારે પવનને લઇ અનેક ખેતરોમાં કપાસના રોપ મૂળમાંથી ઉખડી જતા નુકશાની થવા પામી હતી. હાલ જયારે 'મહા' વાવાઝોડાને કારણે પણ વધુ નુકશાન થાય તેવી ભીતિ ખેડૂતો સેવી રહ્યા છે. જેને લઇને ઉમરાળા પંથકના ખેડૂતો સરકાર પાસે યોગ્ય વળતરની માગ કરી રહ્યા છે.
સરકાર પણ અતિવૃષ્ટિ અને કમોસમી વરસાદને લઇ થયેલી ખેતીની નુકશાની અંગે સર્વે કરી રહી છે. જેમાં અગાઉ સર્વે થઇ ગયા છે. પરંતુ, હજુ વરસાદ વધુને વધુ નુકશાની કરી રહ્યો હોય, ત્યારે તંત્ર પણ ખેડૂતોને વધુમાં વધુ સહાય મળે તે માટે યોગ્ય સર્વે અને વીમા માટે પુરતો સમય આપી રહી છે. જયારે જો હજુ વધુ વરસાદને કારણે નુકશાન થશે તો તંત્ર ફરી સર્વે કરી ખેડૂતને યોગ્ય વળતર મળે તે દિશામાં કામગીરી કરશે.
ખેતરોમાં ઉભો પાક ખરી પડ્યો છે. જયારે ખેતરોમાં ભરાયેલા પાણી પણ હજુ પાકને નુકશાન કરી રહ્યા છે, ત્યારે ખેડૂતોને પુરતું વળતર મળે તે દિશામાં સરકારી તંત્ર કામગીરી કરી રહ્યું છે.