ભાવનગર શહેરના ભરતનગર-વર્ધમાનનગર ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાનો આવેલા છે. અંદાજે 30 વર્ષથી વધુ જૂના આ મકાનો હાલ ખખડધજ અવસ્થામાં છે. આ યોજના તળે બનાવવામાં આવેલા મકાનો પૈકીના મોટાભાગના મકાનો હાલ પડી પણ ગયા છે અને તેમાં લોકોને જાનહાનિથી લઈ નાનું મોટું નુકસાન પણ થયું છે. આ બદતર સ્થિતિના કારણે અને મિલકતોની બિસ્માર હાલતને જોતા ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા આ વસાહતના વસાહતીઓને અંદાજે પાંચ વર્ષ પૂર્વે નવું ઘર આપવાની શરત અને નવું ઘર ન મળે ત્યાં સુધી ભાડું આપવાની શરત સાથે તમામને અન્યત્ર સ્થળે ખસી જવા તાકીદ કરવામાં આવી હતી. આ તાકીદ અને યોજનાના પગલે અંદેજા 1 હજારથી વધુ રહીશો પોતે પોતાનું મકાન છોડીને અન્યત્ર ચાલ્યા ગયા હતા, પરંતુ છેલ્લા પાંચ વર્ષથી વધુ સમય વિતવા છતાં આ દિશામાં કોઇ જ પ્રકારની કાર્યવાહી થઇ નથી.
સરકારના પ્રતિનિધિઓ અને અમલદારોએ સ્થાનિક રહીશોને એવી પણ ખાતરી આપી હતી કે, રહીશો ભાડે મકાન લે તો તેમને મકાન ભાડા પેટેની રકમ પણ સરકાર નિયમિત ચૂકવશે. હાલ પાંચ વર્ષથી બહાર રહેતા રહીશોને ભાડાપેટે ફદીયું પણ મળ્યું નથી. એક તરફથી તેમની માલિકીનું મકાન પણ મળી મળતું નથી અને બીજી તરફ તેમને નાછૂટકે ઉંચા ભાડા સાથે અન્યત્ર રહેવાની ફરજ પડે છે.
સ્થાનિક રહીશો દ્વારા આ અંગે નગરસેવક ધારાસભ્યથી લઇ ગુજરાત હાઉસિંગ બોર્ડના અધિકારીઓને વારંવાર લેખિત અને મૌખિક રજૂઆત કરવામાં આવે છે, પરંતુ આજ દિવસ સુધી આ બાબતનો ઉકેલ આવ્યો નથી.