- મહુવામાં કોંગ્રેસના પૂર્વ જિલ્લા પ્રમુખ પ્રવીણ વાળા 200 કાર્યકરો સાથે ભાજપમાં જોડાયા
- ભાજપના નવનિયુક્ત ઉપાધ્યક્ષ મહેન્દ્રસિંહ સરવૈયાનો અભિવાદન અને આવકાર કાર્યક્રમ યોજાયો
- મહુવા ભાજપ દ્વારા પ્રદેશ ઉપાધ્યક્ષ મહેન્દ્રસિંહ સરવૈયાનો અભિવાદન સમારોહ યોજાયો
ભાવનગરઃ મહુવામાં કોંગ્રેસના પૂર્વ જિલ્લા પ્રમુખ પ્રવીણ વાળા અન્ય 200 કાર્યકરો સાથે ભાજપમાં જોડાયા હતા. પ્રદેશ ઉપાધ્યક્ષની હાજરીમાં પૂર્વ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કોંગ્રેસના મોટા ગજના નેતા અને કોળી સમાજના આગેવાન પ્રવીણભાઈ વાળા 200 કાર્યકરો સાથે ભાજપમાં જોડાયા હતા. આ સાથે જિલ્લા પંચાયતના પૂર્વ સભ્ય રમેશભાઈ કાક્લોતર અને રાવતભાઈ કામલિયા પણ ભાજપમાં જોડાયા હતા.
કોંગ્રેસમાંથી એક સાથે 200 કાર્યકરો ભાજપમાં જોડાયા
આ પ્રસંગે સાંસદ નારણભાઈ કાછડિયા, જિલ્લા ભાજપના પ્રમુખ મુકેશભાઈ લગાળીયા, ધારાસભ્ય આર સી મકવાણા, ગારીયાધારના ધારાસભ્ય કેશુભાઈ નાકરાણી ભીખાભાઇ બારીયા તથા ભાવનગર જિલ્લાના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. મહુવા ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ મહેન્દ્રસિંહ સરવૈયાનો અભિવાદન સમારોહ ક્રિષ્ના હોટલ ખાતે મહુવા અને તાલુકાના કાર્યકરોની હાજરીમાં યોજાયો હતો. ગત્ત ટર્મમાં ભારતીય જનતા પાર્ટીના જિલ્લાના અધ્યક્ષ રહેલા મહેન્દ્રસિંહની તાજેતરમાં જ પ્રદેશ ઉપાધ્યક્ષનો તાજ પહેરીને આવેલા તેમનો અભિવાદન સમારોહ યોજ્યો હતો. તેમના અભિવાદન સમારોહને મહુવા ભારતીય જનતા પાર્ટીએ પણ મોટી ભેટ આપી હતી. તેમાં મહુવાના કોંગ્રેસના આગેવાન અને જિલ્લા કોંગ્રેસના પૂર્વપ્રમુખ અને કોળી સમાજના આગેવાન પ્રવીણભાઈ વાળાને 200 કાર્યકરો સાથે ભાજપમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. તેમજ તેના સાથે ગત્ત ટર્મમાં જિલ્લા પંચાયતની તરેડ સીટ ઉપરથી કોંગ્રેસમાંથી વિજેતા બનેલા રમેશભાઈ કાક્લોતર પણ ભાજપમાં જોડાયા હતા.
મહેન્દ્રસિંહે શું કહ્યું?
આ પ્રસંગે મહેન્દ્રસિંહે જણાવ્યું કે, મહુવા ભાજપમાં નવો ક્રેઝ શરૂ થયો છે અને આવનારા દિવસોમાં કોંગ્રેસના કાર્યકરો હશે જ નહીં સાફ થઇ જશે અને ભારતીય જનતા પાર્ટી આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સારી બહુમતીથી વિજેતા બનશે. ભાજપ વિકાસનો પક્ષ છે અને સૌના સાથથી અનેક વિકાસ હજી આપણે કરવાના છે.
સાંસદ નારણભાઇ કાછડીયાએ શું કહ્યું?
જ્યારે સાંસદ નારણભાઇએ જણાવ્યું કે, કોંગ્રેસના વંશ વેલોનું રાજકારણ અહીં પૂરું થવા જઈ રહ્યું છે અને હવે લોકો ઘરના રાજકારણથી કંટાળીને ભારતીય જનતા પાર્ટીમાં આવી રહ્યા છે તેમને હું આવકારું છું અને તેમજ આવનારી ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો વિજય થવાનો છે, તેમાં બે મત નથી તેમજ નારણભાઇએ સરકારની અવનવી યોજના વિશે જાણકારી આપી હતી અને મહુવા, બાંદ્રા અને લોકલ ટ્રેન અને મહુવા સુરત ટ્રેન ટૂંક સમયમાં શરૂ થશે તેવી જાણકારી આપી હતી.
કોંગ્રેસના કાર્યકરોને ભાજપે આવકાર્યા
આ પ્રસંગે ધારાસભ્યો આર. સી મકવાણા તેમજ કેશુભાઈ નાકરાણી તેમજ ભીખાભાઇ બારિયાએ મહેન્દ્રસિંહનું સન્માન કરીને ભારતીય જનતા પાર્ટીમાં આવેલા કોંગ્રેસના કાર્યકરોને આવકાર્યા અને કેસરિયો ખેસ પહેરાવ્યો હતો. આ પ્રસંગે મહુવા શહેર ભાજપના અને ગ્રામ્ય ભાજપના સંગઠનના આગેવાનો અને કાર્યકરો અને મહુવાનું ઘરેણું માયાભાઈ આહીર ખાસ ઉપસ્થિત રહ્યા હતા.