વરસાદથી ઉભા પાકને નુકશાન, ખેડૂતોની સરકાર પાસે સહાયની માગ - Farmers
ભાવનગર જિલ્લામાં ભારે વરસાદને પગલે ખેડૂતોના પાકને નુકસાન થયું છે. ત્યારે ખેડૂતો સરકાર પાસે સહાયની માગ કરી રહ્યાં છે.
- ભાવનગર, ઘોઘા અને વલ્લભીપુર પંથકમાં ખેતરોનો ઉભો પાક થયો નિષ્ફળ
- વધુ પડતા વરસાદમાં ખેતરોમાં રહેલો ઉભો પાક બળી ગયો
- સારા પાકની આશા નિષ્ફળ જતા ખેડૂતો મુકાયા મુશ્કેલીમાં
- સરકાર પાસે સહાયની કરી માગ
- ખેતરોમાં ભરાયેલા પાણી અને બળી ગયેલો પાકના દ્રશ્યો નજરે પડી રહ્યા છે
ભાવનગરઃ જીલ્લામાં ચોમાસાની સિઝનમાં પડેલા અતિ વરસાદના કારણે ખેતરોમાં ઉભો પાક બળી જતા સારા પાકની ખેડૂતોની આશા પર પાણી ફરી વળ્યું છે. હજુ પણ વરસાદ બંધ થવાનું નામ નથી લેતો. ત્યારે ખેતરોમાં હાલ પાણી ભરાય ગયા છે અને જેને લઇ ખેતરોમાં રહેલો મગફળી, કપાસ, બાજરી અને તલ જેવા પાકનો નાશ થયો છે. કુદરતના આ કહેર સામે હવે ખેડૂતો સરકારી સહાય રૂપી મહેરની માંગ કરી રહ્યા છે.
ભાવનગર જીલ્લામાં વરસાદી કહેર છવાયો છે. ભાવનગર જીલ્લાના તમામ તાલુકાઓમાં સરેરાશ 100 ટકા કે તેથી વધુ વરસાદ પડ્યો છે. જેમાં ભાવનગર, વલ્લભીપુર,ઘોઘા,ઉમરાળા તાલુકામાં વધુ વરસાદના પગલે તારાજી સર્જાય છે. આ તારાજી ખેતીમાં જોવા મળી રહી છે. જેમાં હાલ અતિ વરસાદના પગલે ઘોઘા પંથકમાં ખેતરોમાં રહેલો ઉભો પાક બળી ગયો છે અથવા પાણીમાં જ સડી ગયો છે. આ વિસ્તારના ખેડૂતોએ પોતાના ખેતરોમાં મગફળી, કપાસ, બાજરી, તલ જેવા પાકોનું વાવેતર કર્યું હતું. ચોમાસાનો પ્રારંભ સારો હોય ખેડૂતોએ પણ આ વર્ષે અતિ સારા પાકની આશા સેવી હતી પરંતુ કુદરતના કહેરને સામે માનવ પાંગળો છે તેમ ખેતરોમાં ઉભા પાક પર ભારે વરસાદી કહેરથી આ પાક સડી ગયો કે બળી જતા ખેડૂતોને હાલ રોવાનો વારો આવ્યો છે.
ખેતરોનો નજારો જ ઘણું બધું કહી જાય છે અને આ બાબતે કંઈપણ કહેવાની જરૂર લાગતી નથી. ખેતરોમાં ઉભા પાકના દ્રશ્યો અને ખેડૂતોની આપવીતી જ આ કુદરતના કહેરને વર્ણવા પુરતી છે. ઘોઘા તાલુકાના કોળીયાક, ખડસલીયા સહિતના ગામના ખેતરોમાં હજુ પણ પાણી ભર્યા છે. આ પાણીથી ખેતરનો ઉભો પાક નાશ પામ્યો છે. ખેડૂતો પોતેજ પોતાના ખેતરોના ઉભા પાકની દશા બતાવી રહ્યા છે કે હવે કંઈ જ આ ખેતરોમાં ઉપજ માટે બચ્યું નથી, ત્યારે કરેલો ખર્ચ પણ માથે પડ્યો છે. આવા સંજોગોમાં સરકાર ખેડૂતો માટે ખાસ સહાય ચૂકવે તેવી માંગ આ વિસ્તારના ખેડૂતો કરી રહ્યા છે.
ખેતરોમાં સર્જાયેલી તબાહીને પગલે સરકાર દ્વારા હાલ નુકશાની સર્વે હાથ ધરવામાં આવ્યો છે ત્યારે હવે જોવું રહ્યું કે સરકાર ખેડૂતોને કેટલી વહેલી તકે ચુકવે છે?