સામાન્ય પરિવામાં રહેતા જયેશભાઈ પટેલ વર્ષ 1995માં ચીખલી કોલેજમાંથી ગ્રેજ્યુએટ થઈને ITI કરી નોકરીની શોધમાં નીકળ્યા હતા. ત્યારબાદ તેમને નોકરી માટેના કોલ લેટરો આવવા લાગ્યા, પરંતુ તે પહેલા અચાનક તેમની આંખોની રોશની ચાલી ગઈ હતી. જેથી તેમને જીવન જીવવું બોજ સમાન લાગી રહ્યું હતું. આ સમય દરમિયાન તેમનો બાળક સાહિલ પણ પાંચ વર્ષનો થઈ ગયો હતો. તેને શાળામાં ધોરણ-1માં અભ્યાસ અર્થે મોકલવામાં આવ્યો હતો.
જયેશભાઈ શિક્ષિત હોવાથી તેમજ દિવ્યાંગ હોવા છતાં તેમના બાળકના ભણતર પાછળ તેઓ સમય આપતા હતા. તેઓએ સાહિલને ધોરણ-10 સુધીનો અભ્યાસ કરાવ્યો હતો. જોકે સાહિલે પણ પોતાના પરિવારની પરિસ્થિતી સમજતો હોવાથી ભણતર પાછળ પોતાનો સમય આપીને પરિવારનું નામ રોશન કરવાની જીદ પકડી હતી. જેના ભાગરૂપે તેને ધોરણ-10 બોર્ડની પરીક્ષામાં મોટી વાલઝર હાઈસ્કુલમાં 90.57 પર્સનટાઈલ સાથે પ્રથમ ક્રમ પ્રાપ્ત કરી પોતાના પરિવારનું નામ રોશન કર્યું હતું.
ત્યારબાદ આગળ અભ્યાસ અર્થે પરિવાર પાસે રૂપિયા ન હોવાના કારણે તેના પિતા પોતાની કિડની વેચવા માટે તૈયાર થયા છે. જેના માટે તેઓ કિડની લેનારની શોધ કરી રહ્યાં છે. ત્યારે સરકારની ઉજ્વલા યોજના સહિતની કોઈપણ યોજના આજદિન સુધી જયેશભાઈને પુરી પાડવામાં આવી નથી.
આ ઉપરાંત તેમની પત્ની મજુરી કામ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. પોતાના પરિવારની સ્થિતિ જોતા અને પોતાના પિતા કિડની વેચે એ સાહિલને મંજુર નથી. હાલ તો સાહિલ પ્રતાપનગર હાઈસ્કુલમાં સાયન્સ વિષયમાં એડમિશન મેળવીને આગળનો અભ્યાસ કરી રહ્યો છે. પરંતુ પોતાને કોઈક મદદ કરે તેવી આશા તે સેવી રહ્યો છે. સાથે જ મોટી વાલઝર હાઈસ્કુલમાંથી પણ સાહિલને શાળાના શિક્ષકોએ મદદ કરી હતી. ત્યારે હવે આ શાળામાં સાહિલ અભ્યાસ તો નથી કરતો પરંતુ તેમાંથી તેને કોઈક મદદ કરે એવી આશા જરૂરથી રાખી રહ્યો છે.