ભાવનગર શહેરના અગ્રણી ઉદ્યોગપતિ પર કરાયેલાં હુમલાથી ચકચાર મચી હતી. આ ઘટનામાં વેપારી જીવરાજભાઈ મોણપરા, બટુકભાઈ માંગુકિયા, મુકેશભાઈ માંગુકિયા અને તેમના ડ્રાઇવર જયેન્દ્રભાઈ પર હુમલાની થયો હતો. જેઓ ન્યાય મેળવવા માટે કલેકટર ઓફિસનો દોડી ગયા હતાં.
મળતી માહિતી પ્રમાણે, ભાવનગર-અલંગ રોડ પર બુધેલ નજીક અલંગના અગ્રણી ઉદ્યોગપતિઓ પર કાર ઓવરટેક જેવી સામાન્ય બાબતે હુમલો કરી મારમારવાની ઘટના બની હતી. જેમાં બટુકભાઈ માંગુકિયા પોતાની કારમાં ભાવનગરથી અલંગ જઈ રહ્યા હતાં, ત્યારે બુધેલ નજીક એક સ્કોર્પિયો કારે બેફીકરાઇ પૂર્વક ઓવરટેક કરવાની બાબતે દાનસંગ મોરીએ તેના સાથીઓએ સાથે મળીને વેપારી બટુકભાઈ અને ડ્રાઈવર જીર્તેન્દ્ર પર હુમલો કરી માર માર્યો હતો. તે દરમિયાન અન્ય સાથી ઉદ્યોગપતિઓ પણ ત્યાં ઉભા રહી દાનસંગને સમજાવીને મામલો થાળે પાડવાનો પ્રયાસ કરી રહ્યાં હતાં, ત્યારે આ ઇસમોએ તેમને પણ માર માર્યો હતો.
આ ઘટના બાદ ભોગબનનાર વેપારીઓ ન્યાય મેળવવા માટે જિલ્લા કલેક્ટર ખાતે કચેરી દોડી ગયા હતાં. તેમની રજૂઆત હતી કે, તાત્કાલિક ધોરણે વેપારીઓની ધરપકડ કરવામાં આવે. જો તેમ કરવામાં નહીં આવે તો આવતીકાલે અલંગ શિપ બ્રેકીંગ યાર્ડ અને હીરા બજારમાં બંધનું એલાન કરવામાં આવશે. તેમજ જ્યાં સુધી હુમલાખોરો ન ઝડપાય ત્યાં સુધી કલેકટર કચેરી બહાર આંદોલન કરવાની ચિમકી ઉચ્ચારી હતી. ઘટનાની જાણ થતાં સ્થાનિક ધારાસભ્ય કનુભાઇ બારૈયા અને પ્રવીણભાઈ મારુ કલેકટર ઓફિસે દોડી ગયા હતા અને મામલો થાળે પાડવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ, વેપારીઓ પોતાની માગ પર અડગ રહ્યા હતાં.
આ મામલે સ્થાનિક પોલીસે હુમલાખોરોની શોધખોળ હાથ ધરી છે. પરંતુ, રોષે ભરાયેલાં વેપારીઓ તાત્કાલિક ધોરણે ન્યાયની માગ કરી રહ્યાં છે. જેના પગલે તેમણે સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આવતીકાલે તમામ ઉદ્યોગોને બંધ રાખવાનું જાહેર કર્યુ છે. જેમાં અલંગશિપ બ્રેકીંગયાર્ડ, સ્ક્રેપ મર્ચન્ટ એસો, રોલિંગ મિલ એસો, બિલ્ડર એસો, ડાયમંડ એસો અને ચેમ્બરની સાથે સંકળાયેલી 58 સંસ્થાઓ પણ બંધમાં જોડાવવાની છે.
આમ, શહેરના ખ્યાતનામ ઉદ્યોગપતિઓ પર હુમલાની આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો જોવા મળી રહ્યાં છે. જો આ મામલે કલેકટર અને જિલ્લા પોલીસવડા દ્વારા કોઈ કડક પગલા ભરવામાં નહિ આવે તો, વેપારીઓએ શહેર છોડી દેવાની ચીમકી ઉચ્ચારી છે.