ભાવનગર: જિલ્લાને છેવાડે કુંભારવાડાના ખાર વિસ્તારમાં આવેલા અગરિયાઓમાં કામ કરતા આશરે 2000 લોકો પાણી માટે હજુ ટેન્કર પર નભી રહ્યાં છે. એસોસિયેશન અને અગરિયાના લોકોએ રજૂઆત કરી પાણીની લાઈનની માગ કરી છે. તો તંત્રને એ જ ખબર નથી કે, લાઇન નાખવાની જવાબદારી કોની છે ?
છેવાડે ખાર વિસ્તારમાં 12 થી 13 એવાં અગરિયાઓ છે. જેમાં કામ કરતા લોકોને આજદિન સુધી પાણી માટે વલખા મારવા પડે છે. આશરે 12થી 13 અગરિયા માલિકોએ એસોસિયેશન દ્વારા રજુઆત કરી છે કે તેમને પાણીની લાઇન આપવામાં આવે, પરંતુ આજે પણ પાણીના ટેન્કર લઇ આવીને અગરિયામાં કામ કરતા 1500 જેટલા લોકોને ટેન્કરના પાણી પર નભવું પડે છે. અગરીયા માલિકનું કહેવુ છે કે, ઉનાળામાં કપરી હાલત થાય છે. આ તો શિયાળામાં પણ તકલીફ ઊભી થઇ છે.
અગરિયામાં કામ કરતા લોકોને ક્ષારમાં એટલે કે મીઠામાં કામ કરવાનું હોઈ છે. શરીરને બહારથી મીઠાથી તકલીફ થતી હોય છે પણ જો અંદર શરીરને શુદ્ધ પાણી ન મળે એટલે કે નળનું મીઠું પાણી ન મળે તો શારીરિક તકલીફો વધે છે. વોટર ટેન્કરના કારણે ક્યારેક ઝાડા ઉલટી, તાવ અને શરીરમાં ચામડીના રોગો થઈ રહ્યા છે. મજૂરોની તકલીફને પગલે પાણીની લાઇન નાખવાની જવાબદારી કોની તે માટે અમે પાણી પુરવઠા અધિકરીને, મનપાને અને છેલ્લે કલેકટરને પૂછ્યું તો બધાએ ઉડાઉ જવાબ આપ્યા હતાં. કલેકટરના કહેવા મુજબ કે મારી પાસે રજૂઆત આવી નથી. જો કે એસોસિએશનને પૂછતાં પ્રમુખે કહ્યું હતું કે માગ જૂની છે પણ કોઈએ ધ્યાન આપ્યું નથી.
તમામ મુદ્દાઓનો જવાબ આપવાના બદલે મારામાં નથી આવતું કહીને હાથ ઊંચા કરવા એ સ્પષ્ટ કરે છે. રામ રાજ્યના ભરોસે કામ સરકારી તંત્રમાં ચાલી રહ્યા છે.