અમદાવાદઃ કોરોના વાયરસ દુનિયામાં ફેલાવાનો હજી પણ વધુ ખતરો છે. ભારતમાં કોરોના વાયરસથી બચવા માટેના અને સુરક્ષાના વધુ પગલાં લેવા માટે પ્રજા જાગૃત થઈ રહી છે. અમદાવાદમાં સુરક્ષિત રીતે સામાન્ય જીવનમાં ઉપયોગમાં લેવામાં આવતા સેફટી માસ્કની રોજિંદી જરૂરિયાત વધવાથી, તેમજ પુરવઠાની અછત અને ખપત વધારે હોવાના કારણે વેપારીઓ દ્વારા ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. સામાન્ય રીતે 5 રૂપિયામાં વેચાણ કરવામાં આવતા માસ્કની કિંમત હાલમાં 20થી 50 રૂપિયા લેવામાં આવી રહી છે.
એક અંદાજ મુજબ વર્ષમાં 100 નંગ માસ્ક વેચાણ કરતા મેડિકલ સ્ટોર્સમાં કોરોના વાયરસના કારણે શુક્રવારે સૌથી વધુ માસ્ક વેચાણ કરવામાં આવી રહ્યું છે. જેમાં યુઝ એન્ડ થ્રો એટલે કે ડિસ્પોસેબલ માસ્ક અને વોશેબલ માસ્ક પણ બજારમાં ઉપલબ્ધ છે. ત્યારે સ્થાનિક મેડિકલ સ્ટોર્સના વેપારીના જણાવ્યા અનુસાર, તેઓ જે માસ્ક 3 રૂપિયામાં ખરીદી અને 5 રૂપિયામાં વેચાણ કરતા હતા. તે જ માસ્ક આજે 17થી 19 રૂપિયામાં તેમને પડતર કિંમતે મળી રહ્યા છે. જેને 20 રૂપિયામાં વેચી રહ્યા છે. આમ જોવા જઈએ તો, મેડિકલ સ્ટોર્સના વેપારીઓ કરતાં પણ કરોના વાયરસના ડરના કારણે અચાનક આવી પડેલી માગને પહોંચી વળવા માટે મેન્યુફેક્ચર દ્વારા અનેક ગણો ભાવ વધારો લઈને રીતસરની ઉઘાડી લૂંટ ચલાવવામાં આવી રહી છે.