'મોજમાં રહેવું રે' કૃતિ બદલ રતિકાકાને આ ઍવોર્ડ એનાયત કરાયો છે. રતિલાલનો જન્મ 31 ઓગસ્ટ, 1938ના રોજ સૌરાષ્ટ્રના સાવરકુંડલા ખાતે થયો. તેમણે એમ.એ., બી.એડ. તથા 1989માં 'સાહિત્યિક સંપાદન : વિવેચનાત્મક અધ્યયન' વિષય પર પી.એચ.ડી.ની પદવી મેળવી છે. ત્યારબાદ તેઓ શિક્ષક, પ્રોફેસર, સરકારી ઓફિસર જેવી વિવિધ નોકરીઓ કરી ક્લાસ-વન ગેઝેટેડ ઓફિસર તરીકે ગુજરાત સરકારના ઉચ્ચ હોદ્દા પર રહ્યા હતા.
તેઓ ગુજરાતી સાહિત્ય પરિષદના વહીવટી મંત્રી રહ્યા હતા. તેમને ગુજરાતી સાહિત્ય પરિષદ તરફથી જ્યોતીન્દ્ર દવે પારિતોષિકથી નવાજવામાં આવ્યા છે. તેમની મુખ્ય રચનાઓમાં મરકમરક, આનંદલોક, અર્વાચીન ગુજરાતી હાસ્ય રચનાઓ નામે હાસ્ય લેખ, સંભવામિ યુગે-યુગે નામે લઘુનવલ તથા બાલ વન્દના નામે બાલસાહિત્ય આપી છે. 2019માં તેમને નિબંધસંગ્રહ 'મોજમાં રે'વું રે!' માટે સાહિત્ય અકાદમી પુરસ્કાર (2019) પ્રાપ્ત થયો હતો.
લેખનકાર્યનો આરંભ ટૂંકીવાર્તાથી કર્યો. પરંતુ સાથે સાથે હાસ્યલેખો લખવા માંડ્યા, જેમાં એમને વધુ સફળતા-સિદ્ધી મળ્યાં. એમના બે હાસ્યસંગ્રહો ‘મરક મરક’ (1977) અને ‘આનંદલોક’ (1983) છે. એમનું હાસ્ય વાચકને મરકમરક હસાવે તેવું છે. બહુશ્રુતતાનો હાસ્યાર્થે સહજ કૌશલથી વિનિયોગ થયો હોવાથી માનવીય નિર્બળતાઓ હાસ્યનો વિષય બને છે, છતાં એમનું હાસ્ય દંશદ્વેષથી સદંતર મુક્ત છે અને સાથે જ જીવન પર પ્રકાશ પાથરવાના ધ્યેયથી યુક્ત છે. એમણે કેટલાક ગંભીર નિબંધો આપ્યા છે, તેમ જ કેટલીક લઘુકથાઓ પણ લખી છે.