ભાવનગર : ગુજરાતના કચ્છમાં અજરખપુર અને ધમણકા માત્ર ગામમાં થતી ગુજરાતની બ્લોક પ્રિન્ટિંગ કળા નવી પેઢીને આકર્ષિત કરી રહી છે. મશીનોની વચ્ચે હસ્તકળા સ્ટાર્ટઅપ મારફત નવો વ્યવસાય તરીકે જીવંત બની શકે છે. લુપ્ત થતી સંસ્કૃતિને જીવંત કરવા માટે ભાવનગરમાં પ્રયાસ કરાયો અને નવી પેઢીએ સ્ટાર્ટઅપ સાથે જોડીને રોજગારીનું માધ્યમ ગણાવ્યું છે.
હજારો વર્ષ જૂની કલા : ગુજરાતના કચ્છમાં સિંધ પાકિસ્તાનથી આવેલી ચાર પાંચ હજાર વર્ષ જૂની કલા છે. આ કલાનું જ્ઞાન ભાવનગરમાં આજની નવી પેઢીને પીરસવામાં આવ્યું હતું. ત્યારે નવી પેઢીએ તેને સ્ટાર્ટઅપ તરીકે જોઈને આગામી દિવસોમાં રોજગારીનું માધ્યમ બની શકે તેવી સંવેદના વ્યક્ત કરી હતી. આ બ્લોક પ્રિન્ટિંગ કે અજરખ પ્રિન્ટિંગ શું છે ? તેનાથી ફાયદો સ્ટાર્ટઅપમાં કેવો થઈ શકે છે ? તે સમગ્ર બાબતો જાણીએ.
આ પણ વાંચો કોરોના ઇફેક્ટઃ કચ્છની અજરખ બ્લેક પ્રિન્ટ હસ્તકળાને લાગ્યો મોટો ફટકો, વાંચો વિશેષ અહેવાલ...
નવી પેઢીને બ્લોક પ્રિન્ટિંગનું જ્ઞાન અપાયું : કોરોના કાળ બાદ ઉદભવેલી રોજગારીની તકમાં અજરખ પ્રિન્ટનું માર્ગદર્શન સિંધ પાકિસ્તાનથી કચ્છમાં આવેલી અજરખ પ્રિન્ટ આજે સમગ્ર ગુજરાત અને વિશ્વમાં ખૂબ પ્રચલિત છે. ત્યારે લુપ્ત થતી સંસ્કૃતિ અને કારીગરીને જીવંત રાખવાનો પ્રયાસ ભાવનગરની નંદકુંવરબા મહિલા કોલેજ દ્વારા કરાયો છે. ફેશન ડિઝાઇનિંગ વિભાગના કોલેજના આચાર્ય શ્રદ્ધા મકવાણાએ જણાવ્યું હતું કે કચ્છ ધમણકાથી આવેલા કારીગરોએ બ્લોક સાથે લાવીને ફેશન ડિઝાઇનિંગ કરતી નવી પેઢીની યુવતીને બ્લોક પ્રિન્ટિંગનું જ્ઞાન પીરસ્યું હતું. બ્લોક પ્રિન્ટિંગ એટલે અજરખ પ્રિન્ટ જે સમગ્ર વિશ્વમાં ખૂબ પ્રચલિત છે. વિદ્યાર્થીનીઓ દ્વારા જાતે બ્લોકથી ડીઝાઈનો બનાવી હતી અને બ્લોક પ્રિન્ટિંગ વિશે માહિતગાર બની હતી.
બ્લોક પ્રિન્ટિંગ શું છે કારીગરે જણાવી કાર્યપ્રણાલી : ભાવનગરમાં આજની નવી પેઢીને કચ્છની અજરખ પ્રિન્ટિંગનું જ્ઞાન આપવા આવેલા ખત્રી ઈર્શાદ ઈસ્માઈલભાઈએ જણાવ્યું હતું કે અજરખ પ્રિન્ટિંગ કળા ચાર થી પાંચ હજાર વર્ષ જૂની અને સિંધ પાકિસ્તાનની કળા છે. અમારા પર દાદાઓ કચ્છમાં આવીને વસ્યા બાદ વર્ષોથી પેઢી દર પેઢી અજરખ પ્રિન્ટિંગનું કામ કરી રહ્યા છે. આજે પણ કચ્છના અજરખ પ્રિન્ટનું ધમણકા ગામમાં પ્રિન્ટિંગનું કામ થાય છે. અજરખ પ્રિન્ટિંગમાં નેચરલ પ્રાકૃતિક કલરો હોય જે વનસ્પતિમાંથી બનતા હોય છે. જેના આધારે પ્રિન્ટિંગ કરવામાં આવે છે. પરંતુ આ પ્રિન્ટિંગ કરવા માટે બ્લોક તેનું માધ્યમ છે. આથી તેને બ્લોક પ્રિન્ટિંગ પણ કહેવાય છે. જો કે આ બ્લોક કે અજરખ પ્રિન્ટિંગની સમગ્ર ગુજરાત સાથે સમગ્ર વિશ્વમાં ખૂબ જ માંગ રહેલી છે.
આ પણ વાંચો Symbolic School Uniform : અજરખપુર પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓનો યુનિફોર્મ પણ અજરખની ઓળખ સાથે જોડાયો
બ્લોક પ્રિન્ટિંગ માટેના બ્લોક કચ્છથી 400 કિલોમીટર દૂર બને કેમ : આજના આધુનિક યુગમાં નવી પેઢીને ખ્યાલ નથી હોતો કે એક સમયે કોરા કપડામાં ડીઝાઈનો કઈ રીતે કંડોરાતી હતી. સમગ્ર ગુજરાતમાં કહીએ તો બ્લોક પ્રિન્ટિંગ ખૂબ પ્રચલિત હતું. કોઈ પણ પ્રકારના કાપડમાં બ્લોકથી ડીઝાઇન કરવાની જૂની પરંપરા હતી. ગુજરાતમાં છાપણી કામ,બીબા વર્ક અને બ્લોક પ્રિન્ટિંગ તરીકે ઓળખાય છે. ત્યારે કચ્છના ધમણકા થી આવેલા ખત્રી ઈર્શાદ ઇસ્માઈલભાઈ જણાવ્યું હતું કે બ્લોકથી અજરખ પ્રિન્ટમાં સાડી,દુપટ્ટા,ડ્રેસ જેવા કાપડમાં ડિઝાઇન થાય છે. એક સમયે કચ્છમાં માત્ર સિંધી લોકો પોતાની પાઘડીમાં અજરખની ડિઝાઇન કરાવતા હતા.
ગાંધીનગરમાં પણ બનાવાય છે બ્લોક : બ્લોક બનાવવાનું કામ સમગ્ર ગુજરાતમાં ગાંધીનગર પાસે આવેલા પેથાપુર ગામમાં થાય છે આ બ્લોક લાકડાના બનાવવામાં આવે છે. બ્લોકમાં અલગ અલગ ડિઝાઇનો કોતરેલી હોય છે. હાલમાં તેની કિંમત એક બ્લોક સેટમાં ત્રણ બ્લોક હોય તો એ સમગ્ર સેટનો ભાવ ચારથી પાંચ હજાર રહેવા પામે છે.
સ્ટાર્ટઅપ વચ્ચે જૂની પરંપરાને જીવંત થવાનો મોકો આધુનિક યુગમાં મશીનરી પ્રિન્ટિંગમાં લુપ્ત થતી અજરખ પ્રિન્ટિંગ જેવી કળા પાછી ધકેલાય છે. પરંતુ લઘુ ઉદ્યોગને પુનઃ જીવિત કરતી અજરખ પ્રિન્ટ નવી પેઢીને પીરસવામાં આવી રહી છે. ભાવનગરની નંદકુવરબા મહિલા કોલેજમાં યોજાયેલા કાર્યક્રમમાં વિદ્યાર્થીની નિશા ચાવડા જણાવ્યું હતું કે આજે બેરોજગારી વચ્ચે જ્યારે વડાપ્રધાન સ્ટાર્ટઅપ જેવી યોજના લાવી રહ્યા છે. ત્યારે આપણી લુપ્ત થતી સંસ્કૃતિ કચ્છથી ભાવનગર લાવીને એક નવો વ્યવસાય પુનઃ સ્થાપિત કરી શકાય છે. આ બ્લોક પ્રિન્ટિંગ કલા છે. અમારા જીવનમાં ક્યારે આ પ્રકારની કલા જોઈ નથી. પરંતુ આજે જોયા બાદ તેનો જો વ્યવસાય કરવામાં આવે તો ઘણી મહિલાઓ સહિત અન્ય લોકોને રોજગારીની તકો પ્રાપ્ત કરી શકે છે. આ પ્રકારનો વ્યવસાય વડાપ્રધાનના સ્ટાર્ટઅપ નીચે શરૂ કરી શકાય છે.