ભાવનગર : ભાવનગર શહેરના છેવાડે પૂર્વમાં દરિયાની ખાડીએ બેઠેલા મા રુવાપરીના શરણમાં ભક્તોની આશાઓ ફળીભૂત થાય છે. હજારો વર્ષ પહેલાંની લોક કથા મુજબ વડાગામથી ભાવનગર આવેલા રુવાપરી માતાજી પાછળની લોકકથા દસમા નાથના ક્રોધને પણ જાહેર કરે છે. જો કે હાલમાં રુવાપરી માના શરણમાં આવેલા ભક્તની દરેક ઈચ્છાઓ પરીપૂર્ણ થાય છે.
રુવાપરી માતાજીની લોકકથા અને સ્થાપના પાછળ લોકવાયકા : ભાવનગર જિલ્લાનું વલભીપુર 2 હજાર વર્ષ પહેલાં ત્યાં વડાગામ હતું. વડાગામ નજીક આવેલા ડુંગરોમાં ઘૂંઘળીનાથ કરીને સંત હતા. આ સંતના શિષ્ય આસપાસના ગામોમાં ભિક્ષા માંગતા હતા. એક સમયે ઘૂંઘલીનાથ તપમાં બેઠા અને લાંબા સમય બાદ તપમાંથી બહાર આવતા પોતાના શિષ્યની શારીરિક બગડેલી હાલત જોઈને કારણ પૂછયુ હતું. શિષ્યએ કોઈ ભિક્ષા નહી આપતું હોવાનું જણાવ્યું અને વડાગામમાંથી માત્ર રૂપાબા ભિક્ષા આપતા હોવાનું જણાવ્યું હતું. આથી ઘૂંઘળીનાથે શિષ્યને કહ્યું કે જા રૂપાબાને કહી આવ કે પૂર્વ બાજુ મુખ કરીને ચાલવા લાગે અને પાછળ ફરીને જુએ નહીં. આમ રૂપાબા પૂર્વ બાજુ ચાલવા લાગ્યા અને ભાવનગર પહોચ્યા ત્યાં પાછળ ફરીને જોતા સમગ્ર વિસ્તાર ઘૂંઘળીનાથે પાણીમાં ગરકાવ કરી દીધો હતો. આમ રૂપાબા એટલે મા રુવાપરી ત્યારથી ત્યાં સ્થાપિત થઈને મૂર્તિ બની ગયા હતાં.
મા રુવાપરી ભક્તોની ઈચ્છાઓ કરે છે પરિપૂર્ણ ભાવનગરના છેડે ખાડી પાસે આવેલું મા રુવાપરી માતાજી મંદિરમાં ભાવનગરની આસ્થા છે. ભાવનગરમાં આજે પણ લોક સાહિત્યકારોના મુખે પૂર્વમાં મા રુવાપરી રક્ષા કરે છે અને પશ્ચિમમાં મા ખોડિયાર રક્ષા કરે છે તેવું સાંભળવા મળતું હોય છે. રુવાપરી માતાજીના પૂજારી કિરીટભાઈ રાવળે જણાવ્યું હતું કે માતાજીમાં આસ્થા રાખનાર ઘણા લોકોને કામો થયા છે. ખાસ કરીને પરણિત લોકોને સંતાન થતું ના હોય તેવા લોકો માનતા રાખતા હોય છે. સંતાન પ્રાપ્તિ બાદ બાળકને નમન કરાવવા લાવે છે. ઘણા પરિવારોમાં સંતાન પ્રાપ્તિ થઇ છે.
આ પણ વાંચો Rajkot News : રાજકોટનું આ મંદિર જ્યાં માતાજીને ધરવામાં આવે છે પાણીપુરી અને દાબેલી
માતાજીના મહિમાના દિવસો અને મેળાનું આયોજન રુવાપરી માતાજીના ઘણા પરચાઓ છે. મુશ્કેલીમાં મુકાયેલા વ્યક્તિ આસ્થાથી માતાજીને માનતા કે બાધા રાખે છે એટલે પરિપૂર્ણ થાય છે. પૂજારી કિરીટભાઈ રાવળે જણાવ્યું હતું કે માતાજીના બે મહિનામાં ખાસ મહત્વ હોય છે. ચૈત્ર માસમાં ખાસ એક દિવસ અને શ્રાવણમાસમાં મેળાનું આયોજન કરવામાં આવે છે. હજારોની સંખ્યામાં લોકો અહીંયા એકત્રિત થઈને મેળાનો લાભ લઇ માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવે છે. જો કે રુવાપરી માતાજી 18 વર્ણમાં કુળદેવી તરીકે સ્થાપિત થયેલા છે.