ભાવનગર : જિલ્લામાં થયેલા સારા વરસાદના પગલે ખરીફ પાકને લઈને વાવણી સારી એવી થઈ છે. સારા એવા આવેલા વરસાદને લીધે વાવણી થયા બાદ ખેડૂતોને હવે પછીના વરસાદની આશા છે, પરંતુ નીચાણવાળા કેટલાક વિસ્તારોમાં ખેતરોમાં પાણી ભરાવાની પણ સમસ્યાઓ સર્જાય હતી. જેને કારણે તેવા વિસ્તારોમાં ખેડૂતોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. જો કે ખેતીવાડી વિભાગ પાસે પાણી ભરાવાને લઈને હજુ સુધી કોઈ ફરિયાદ પણ આવી નથી.
ભાવનગર જિલ્લામાં સારા એવા વરસાદ થવાને કારણે વાવણીનો પ્રારંભ થઈ ગયો છે. ભાવનગર જિલ્લામાં સાડા ચાર લાખ હેકટર જમીન પર વાવેતર થાય છે, ત્યારે ચાલુ વર્ષે ભાવનગર જિલ્લામાં મગફળી, કપાસ, બાજરી, શાકભાજી અને ઘાસચારાનું મોટા પાયે વાવેતર થયું છે. ભાવનગર જિલ્લામાં ખરીફ પાકને લઈને મગફળીનું 73,900, કપાસનું 2.9 લાખ, શાકભાજી 2338 અને બાજરીનું 6071 હેકટરમાં વાવેતર થયું છે. આમ કુલ અંદાજે 3.16 લાખ હેક્ટરમાં વાવેતર થયું છે. જો કે વરસાદ થોભી જવાને કારણે વરાપ નીકળવાથી સારો પાક થવાની હાલમાં આશા દેખાઈ રહી છે. - એ.એમ. પટેલ (ખેતીવાડી અધિકારી, જિલ્લા પંચાયત)
જિલ્લાના વલ્લભીપુર પંથકમાં ખેતરોમાં પાણી : હાલમાં થયેલા સારા એવા વરસાદને કારણે વલ્લભીપુર પંથકમાં ચાર ઇંચ જેવો વરસાદ છેલ્લે નોંધાયો છે, પરંતુ ત્યારબાદ વરસાદે વિરામ લીધો છે. જોકે 4 ઇંચ જેટલો તાલુકામાં વરસાદ વરસવાને કારણે ખેતરોમાં પાણી ભરાઈ ગયા હોવાના દ્રશ્યો પણ સામે આવ્યા છે. ત્યારે ખેતીવાડી અધિકારીએ આ મામલે કોઈ પણ ફરિયાદ નહીં મળી હોવાનું જણાવ્યું હતું. તેમને વધુમાં કહ્યું હતું કે, નીચાણવાળા વિસ્તારોમાં ખેતરોમાં પાણી ભરાઈ જતા હોય છે. પરંતુ વરસાદ વિરામ લેતા જ આ પાણી જમીનમાં ઉતરી જાય છે. જેથી નુકસાનીની ભીતિ રહેતી નથી. પરંતુ આ પ્રકારના કિસ્સાઓ ખૂબ જ ઓછા હાલમાં જોવા મળે છે.ઉલ્લેખનીય છે કે, ભાવનગર જિલ્લામાં 222 mm વરસાદ કુલ નોંધાયેલો છે. આથી વાવણી 3.16 લાખ હેકટરમાં થઈ છે જે ગત વર્ષ કરતા અંદાજે 1 લાખ જેટલી ઓછી છે.
ખેડૂત આગેવાનનો મત : ભાવનગર જિલ્લામાં સારો વરસાદ નોંધાયો છે, ત્યારે ખેતરોમાં પાણી ભરાવાને મુદ્દે ખેડૂત આગેવાન વિરજી પટેલે જણાવ્યું હતું કે, ખાસ કરીને નીચાણવાળા વિસ્તારો કે જ્યાં સિંચાઈનું પાણી મળી રહેતું હોય અથવા તો નદી આસપાસ ખેતર હોય તેવા ખેતરોમાં પાણી ભરાવાની સમસ્યા રહે છે. પરંતુ હાલમાં હજુ વરસાદનો પ્રારંભ થયો છે, ત્યારે ક્યાંક વાવણી પણ ન થઈ હોય તેને કારણે નુકસાનની જવાની શક્યતા ખૂબ જ ઓછી થઈ જાય છે. આશરે ચાર પાંચ જેટલા સ્થળો પર આ પ્રકારનો બનાવ જરૂર બન્યો હશે, પરંતુ નુકસાન થાય તે શક્ય નથી. જોકે ગત વર્ષે 4 લાખ હેકટર કરતા વધુ વાવેતર હતું જે આ વર્ષે ઓછું છે.