ભાવનગરઃ કથાકાર મોરારી બાપુએ મકરસંક્રાંતિની શુભેચ્છા દેશવાસીને પાઠવી છે. ભાવનગર જિલ્લાના મહુવાના તલગાજરડાના કથાકાર પૂજ્ય મોરારી બાપુએ દેશવાસીઓને સંદેશો પાઠવ્યો છે. ક્યારેય પણ પતંગ નહિ ઉડાડનાર મોરતી બાપુએ પતંગ દોરીનો બોધપાઠ આપ્યો છે. વિશાળ ગગનમાં દરેક વ્યક્તિની પ્રગતિની આશા મોરારી બાપુ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. મકરસંક્રાંતિના પ્રસંગે પૂજ્ય બાપૂએ જણાવ્યું હતું કે, નાનપણમાં જ્યારે કોઇ વ્યક્તિ પતંગ ઉડાડે અને તેની પતંગ આકાશમાં ઉડે ત્યારે હું ખૂબજ રાજી થતો.
આ પણ વાંચોઃ તૈયાર રહેજોઃ ઓખાથી લઈ ઉમરગામ સુધીના પંથકમાં અનંતનાગ જેવી ઠંડીના એંધાણ
ઉડવાનો આનંદઃ મારા મનમાં એવો ભાવ રહેતો કે પતંગને દોરી મળી છે અને આકાશામાં ઉડી છે ત્યારે ભગવાન કરે આ પતંગ અને તેની દોરી બીજા કોઇની પતંગ કાપે નહીં. વધુમાં તેમણે કહ્યું હતું કે, વ્યક્તિને પતંગ ઉડાડવાના આનંદ કરતાં બીજાની પતંગ કાપવામાં વધુ રૂચિ હોય છે. આથી જેની પતંગ કપાય તેના તરફ મને પીડા થતી અને જેને સારી દોરી મળી અને બીજાની પતંગ કાપે તેના પ્રત્યે મને દયા આવતી. પૂજ્ય બાપૂએ ધ્યાન દોર્યું હતું કે, દુકાનોમાં જે પતંગ અને દોરી વેચાણ માટે મૂકેલી હોય છે, તે સંપીને રહે છે. જોકે, જ્યારે પતંગને દોરી મળે છે અને આકાશમાં ઉડે ત્યારે બીજાની પતંગ કાપવાની સ્પર્ધા શરૂ થાય છે.
આ પણ વાંચોઃ વ્યાજખોરો સામે પોલીસની સ્પેશિયલ ડ્રાઈવ, 7 દિવસમાં 316ની ધરપકડ
કાપવાનું નહીંઃ તેમણે ઉમેર્યું હતું કે, આટલા મોટા આકાશમાં દરેકને સત્તા, સંપત્તિ, પ્રસિદ્ધિ, પ્રતિષ્ઠા, પૈસા, ઊંચા આસન, જયજયકારનો દોર મળ્યો છે. તેમની પતંગ આકાશમાં ઉડે તે સારી છે, પરંતુ તેની સાથે બીજાની પતંગ કાપવાની વૃત્તિ પણ શરૂ થાય છે. મકરસંક્રાંતિ આપણને શીખવે છે કે વિશાળ ગગનમાં આપણે પ્રગતિ કરીએ પણ આપણી પ્રગતિની ઊંચાઇ બીજાની સાથે સ્પર્ધા કરવા કે તેમને કાપવા માટે ન હોવી જોઇએ.