ભાવનગરનો એક માત્ર વાંચેલો હીરા ઉદ્યોગ મંદીની ઝપેટમાં આવ્યો છે. નવા વર્ષમાં પાંચમ કે દેવદિવાળી પર શરૂ થતો હીરા ઉદ્યોગ આજે પણ 90% બંધ છે જેની સીધી અસર ગરીબ રત્નકલાકારો પર પડી છે. જેમના ઘરમાંથી કમાનારા લોકોની રોજગારી છીનવાઇ જતાં અનેક પરિવાર પર આર્થિક સંકટ મંડરાઇ રહ્યું છે. હીરા ઉદ્યોગ અને રત્નકલાકારોની આ સ્થિતિ માટે એક નહીં પરંતુ, અનેક કારણો જવાબદાર છે. છેલ્લા 2 વર્ષમાં રફ ડાયમંડની કિંમતમાં તોતિંગ વધારો અને તેની સામે પોલિશીંગ ડાયમંડની કિંમતમાં ઘટાડો થતાં ઉદ્યોગકારોને ફટકો પડ્યો છે. હાલમાં આવા હીરાનું ચલણ નેચરલ ડાયમંડની સરખામણીમાં માત્ર બે ટકા જેટલું છે. શહેરમાં હીરા ઉદ્યોગના 50થી વધુ કારખાનાઓને અલીગઢી તાળા લાગ્યા છે.
શહેરમાં પછાત વિસ્તારમાં વર્ષોથી હીરાનું કારખાનું ધરાવતા એક વ્યક્તિને મંદીને કારણે કારખાનું બંધ કરવાની ફરજ પડી છે. તે જ રીતે રત્ન કલાકાર પણ આવી પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે અને અચાનક આજીવિકા છીનવાઇ જતાં મંદીનો માર સહન કરી રહ્યા છે. કારખાના માલિક તથા સેંકડો યુવાનો પર્વ સમયે કામ-ધંધા વિહોણા બન્યા છે. બેરોજગારીના કારણે સમાજ વ્યવસ્થા પર માઠી અસરો વર્તાઇ રહી છે, ત્યારે સરકાર રોજગારી અંગે કોઇ તાત્કાલિક પગલા લે તેવી માગ ઉઠી છે. દિવાળીને બે સપ્તાહથી વધુ સમય થયો હોવા છતાં ભાવનગરમાં ઘોઘા જકાતનાકા, રામમંત્ર મંદિર, સરદારનગર, મોખડાજી સર્કલ, કુમુદવાડી, વિઠ્ઠલવાડી, બોરતળાવ સહિતના વિસ્તારોમાં આવેલા ૯૯ % હીરાના કારખાના હજુ બંધ પડયા છે.