એક તરફ દિવાળીના તહેવારો નજીક આવી રહ્યા છે, તો બીજી તરફ મંદીના માહોલમાં ગુનેગારો બેફામ બની રહ્યા છે. ભાવનગરમાં ગત્ રાત્રીના સમયે શિપબ્રેકિંગના વેપારી આસિફ ફતાણી પર ખંડણી મામલે 6 ઈસમો દ્વારા છરી, તલવાર અને પાઇપ વડે હુમલો કરવામાં આવ્યો હતો. આસીફ ફતાણી રાત્રીના પોતાના મિત્રો સાથે નમાજ પઢ્યા બાદ સ્કૂટર લઈ બેસવા આવ્યા હતા, તે દરમિયાન માથાભારે ઈસમો આસિફભાઈ પર ઘાતક હથિયારો સાથે તૂટી પડ્યા હતા, જેથી આ વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો.
હુમલો કરી ખંડણીખોરો નાસી છૂટ્યા હતા, જ્યારે ઘવાયેલા વેપારી આસિફ ફતાણીને સારવાર અર્થે શહેરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમણે મીડિયા સાથે વાત કરતા કહ્યું હતું કે, દેશના કાનૂન સાવ નબળા હોવાથી ગુનેગારો ગુનો આચરી જામીન પર મુક્ત બની ફરી બેખૌફ બની ગુનાહિત પ્રવૃત્તિને અંજામ આપે છે. મારા પર જે હુમલો કરવામાં આવ્યો, તેમાં અફઝલ નામનો માથાભારે ઈસમ કે, જેને અગાઉ તેમની પાસે 8 લાખની ખંડણી પણ માંગી હતી. જે બાબતે મેં પોલીસ ફરિયાદ પણ નોંધાવી હતી.
ત્યારબાદ ત્રણચાર વાર ખંડણી અને ધમકી અંગેની પોલીસ ફરિયાદ પણ આ ઈસમ વિરુદ્ધ નોંધાઈ હતી, પરંતુ કોઈ ખાસ કાર્યવાહી ન થતા તેમણે પોલીસ ફરિયાદ કરવાનું બંધ કર્યું હતું. તેમ છતાં અફઝલ દ્વારા ખંડણી બાબતે ધમકી મળતી હતી અને આજે તેણે સાગરીતો સાથે મળી જીવલેણ હુમલો કર્યો હતો.