ભાવનગર: સમગ્ર દેશમાં ભાવનગર જિલ્લો ડુંગળી પકવવામાં બીજા નંબરનું સ્થાન ધરાવે છે. જાન્યુઆરી માસમાં જ ડુંગળીની આવક મબલખ શરૂ થઈ ગઈ છે. જેને પગલે બે દિવસ નવી આવક લાવવા ઉપર પ્રતિબંધ ફરમાવાયો છે. અફસોસની વાત એ છે કે ખેડૂતોને ડુંગળીના યોગ્ય ભાવ મળી રહ્યા નથી.
નવી આવક પર પ્રતિબંધ: ભાવનગર ચિત્રા માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની આવક છેલ્લા 15 દિવસમાં વધીને રોજની 80 હજાર ગુણી સુધી પહોંચી ગઈ છે. વધુ આવકથી યાર્ડ ભરચક થવાથી અને નારી ચોકડી ખાતે બનાવેલા વધારાના યાર્ડમાં પણ ડુંગળીથી હાઉસફુલ થયું છે. ખેડૂતોને બે દિવસ ડુંગળી નહીં લાવવા આદેશ કરાયો છે. તારીખ 26 અને 27 જાન્યુઆરી સુધી ડુંગળી નહીં લાવવા માટે ખેડૂતોને જાણ કરાય છે.
આ પણ વાંચો: Morbi News: મોરબીમાં 7000 જેટલા ખેડૂતોને નથી મળી પાક નુકસાનીના વળતરની સહાય
મબલક આવક છતાં ભાવ તળિયે: ભાવનગર જીલ્લો દેશમાં બીજા નંબરે ડુંગળી પકવવામાં હોવા છતાં પણ સ્થાનિક ખેડૂતોને ડુંગળીના ભાવ મળતા નથી. હાલમાં રોજની 80 હજાર જેવી ગુણની આવક થવા છતાં પણ ડુંગળીના ભાવ 20 કિલોના 100 રૂપિયાથી લઈને 280ની વચ્ચે જ મળી રહ્યા છે. ખેડૂતોએ ભાવ બાબતે અગાઉ પણ માંગ કરેલી છે કે 450થી નીચે કિંમત મળે તો આર્થિક નુકસાન ભોગવવું પડે છે. જો કે હાલ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળી ખેડૂતોને રડાવી રહી છે.
27 તારીખથી શરૂ થશે નવી આવક: ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં બે દિવસ આવક લાવવા ઉપર પ્રતિબંધ મૂક્યા બાદ નવી આવક 27 તારીખના મોડી રાત્રે શરૂ કરવામાં આવશે. નવી ડુંગળી લાવ્યા બાદ ખેડૂતોને આવકના આધારે નિર્દેશો આપવામાં આવશે. જો કે લાલ ડુંગળી અને સફેદ ડુંગળી બે પ્રકારની આવતી હોય છે. લાલ ડુંગળીના ભાવ 100થી 280 વચ્ચે છે તો સફેદ ડુંગળીના ભાવ 143થી 208 રૂપિયા વચ્ચે ખેડૂતોને મળી રહ્યા છે. આગામી દિવસોમાં ભાવ વધવાની શક્યતાઓ દેખાઈ રહી નથી. ભાવ નહિ વધવાનું કારણ ખેડૂતો અને વ્યાપારીઓમાં ડુંગળીનો થયેલો સમગ્ર રાજ્યમાં મબલખ પાક હોવાનું માનવામાં આવી રહ્યા છે.