- મજદૂર સંઘ દ્વારા કૃષિ કાયદાના વિરોધમાં રેલી યોજતા 15થી વધુની અટકાયત
- જ્યાં સુધી કાયદા રદ્દ નહિ થાય ત્યાં સુધી ખેડૂતોની સાથે છીએ - મજદૂર સંઘ
- મજદૂર સંઘ દ્વારા રાજ્યપાલનાં નિવાસ સ્થાને દેખાવો કરવાની ચીમકી
ભાવનગર: છેલ્લા ઘણા સમયથી કેન્દ્ર સરકાર દ્વારા પાસ કરવવામાં આવેલા કૃષિ કાયદાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. જેને લઈને દેશભરમાં ખેડૂતો દ્વારા આંદોલનો ચલાવવામાં આવી રહ્યા છે અને રાજ્યભરમાંથી ખેડૂતોનાં આંદોલનને સમર્થન આપવામાં આવી રહ્યા છે. ત્યારે આજે ભાવનગર મજદૂર સંઘ દ્વારા ખેડૂત વિરોધી કાયદાનો વિરોધ પ્રદર્શિત કરવામાં આવતા પોલીસ દ્વારા 15થી વધુ અગ્રણીઓની અટકાયત કરવામાં આવી હતી.
મોતીબાગથી કલેકટર કચેરી સુધી કૃષિ કાયદાના વિરોધમાં રેલીનું આયોજન કરાયું હતું
મજદૂર સંઘ દ્વારા કાઢવામાં આવેલી રેલી દરમ્યાન કેન્દ્ર સરકાર દ્વારા પાસ કરવામાં આવેલા ત્રણેય કૃષિ કાયદા ખેડૂત વિરોધી હોવાનું અને સંગ્રહખોરી માટે છૂટ આપતાં કાયદા હોવાનું મજદૂર સંઘના કન્વીનર દ્વારા જણાવવામાં આવ્યું હતું. વઘુમાં તેઓએ જણાવ્યું હતુંકે, કેન્દ્રની ભાજપ સરકાર ખેડૂતો અને મજદૂર વિરોધી સરકાર છે. અગાઉ કેન્દ્ર સરકાર મજદૂરો માટેનાં ૪૪ જેટલા કાયદાઓ રદ કરી ચુકી છે. જેના માટેની લડાઈ મજદૂર સંઘ આજ દિન સુધી ચલાવી રહ્યું છે. આ ઉપરાંત ખેડૂતો સાથે પણ ક્રુરતા પૂર્વકના કાયદાઓ ઘડ્યા છે. જ્યાં સુધી કૃષિ બિલ રદ નહિ કરવામાં આવે ત્યાં સુધી મજદૂર સંઘ ખેડૂતોની સાથે રહેશે અને આગામી દિવસોમાં ગુજરાતનાં રાજ્યપાલનાં નિવાસ સ્થાને દેખાવો કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. મજદૂર સંઘ દ્વારા આજે ખેડૂત આંદોલનના સમર્થનમાં તેમજ કૃષિ કાયદાના વિરોધમાં રેલી સ્વરૂપે કલેકટર કચેરી ખાતે પહોંચતા પોલીસ દ્વારા મજદૂર સંઘના ૧૫ થી વધુ દેખાવકારો ની અટકાયત કરવામાં આવી હતી.