વાગરાના વહીયાલ ગ્રામપંચાયત દ્વારા રાઠોડ સમાજના સ્મશાનની જગ્યા વન વિભાગને ફાળવી દેતા વિવાદ સર્જાયો હતો. ત્યારે એક રાઠોડ સમાજની મહિલાનું મોત થતાં તેની દફન ક્રિયાનો પ્રશ્ન સર્જાતા સમગ્ર રાઠોડ સમાજમાં પંચાયતના આ કાર્ય બદલ રોષ ફેલાયો હતો. આ અગાઉ પણ આ બાબતે રાઠોડ સમાજ દ્વારા ટી.ડી.ઓને આ યોગ્ય ન્યાય કરવાની વિનંતી સાથે એક આવેદનપત્ર પાઠવ્યું હતું, પરંતુ વન વિભાગ દ્વારા રાઠોડ સમાજના સ્મશાનની જગ્યાનો કબ્જો લઈ તેની આસપાસ ફેન્સીંગ કરી લેવામાં આવી છે.
જેથી મૃતક મહિલાના મૃતદેહ સાથે અંતિમ વિધિ માટે આવેલા સમાજના મોભીઓ ગિન્નાયા હતા. રાઠોડ સમાજના લોકો અને મોભીઓએ મૃતક મહિલાનો મૃતદેહ લઈ કલેક્ટર કચેરીએ લઈ જવાની તજવાજ હાથ ધરી હતી. જે દરમિયાન વ્હાલું રોડ પર ભરૂચ પોલીસ અને વાગરા પોલીસે રાઠોડ સમાજના લોકોને સમજાવી મામલો થાળે પડ્યો હતો. ગ્રામજનોનાં આક્ષેપ અનુસાર ગામના સરપંચે ખોટી રીતે આ જમીન પર કબ્જો કરી દીધો છે અને વૃક્ષારોપણના બહાને સ્મશાનની જમીન ખોદી પણ નાખી છે. ત્યારે આ બાબતે ગ્રામજનો ન્યાયની માંગ કરી રહ્યા છે.