જુનાગઢ: પાછલા દોઢ વર્ષમાં ભારતીય જળ સીમામાં માછીમારી કરી રહેલા માછીમારોનું અપહરણ કરીને પાકિસ્તાન સુરક્ષા એજન્સીઓ દ્વારા તેમને જેલમાં પૂરી દેવામાં આવે છે. જે પૈકીના નાનાવાડાના બે દુદાણાના એક અને ઉના તાલુકાના એક માછીમારનુ પાછલા 18 મહિનામાં જેલની અંદર બીમારી બાદ મોત થયું છે આજે મૃતક માછીમારના પરિવારજનો ઘરના મોભીને ગુમાવવાની સાથે જ રોજગારી પણ ગુમાવી ચૂક્યા છે. જેને કારણે ખૂબ વિકટ પરિસ્થિતિમાં મૃતક માછીમારના પરિવારો આજે જીવન નિર્વાહન કરી રહ્યા છે. કેટલાક મૃતક માછીમારના સંતાનો આજે અભ્યાસ છોડીને ઘરમાં આર્થિક રૂપે મદદ થઈ શકાય તે માટે મજૂરી કામ પણ કરી રહ્યા છે.
માછીમારોનો પરિવાર વિકટ સ્થિતિમાં
સૌરાષ્ટ્રમાં લાંબો દરિયા કાંઠો આવેલો છે. જેને લઇને માછીમારી ઉદ્યોગ સાથે સંકળાયેલા માછીમારો સારી રોજગારી મેળવી રહ્યા છે, પરંતુ તેમાં પાકિસ્તાની સુરક્ષા એજન્સીના હાથે મધ દરિયે અપરણ થવાની ઘટનાનું સંકટ પણ સતત જોવા મળે છે. કેટલાક હતભાગી માછીમારો પાકિસ્તાન સુરક્ષા એજન્સીઓના હાથે મધદરિયે પકડાઈ જતા તેને પાકિસ્તાનની જેલમાં ઠોંસી દેવામાં આવે છે. જે પૈકીના કેટલાક દુર્ભાગ્યપૂર્ણ માછીમારો પાકિસ્તાનની જેલમાં રહેતા જ અવસાન પામ્યા છે. જેનો પરિવાર આજે ખૂબ જ વિકટ સ્થિતિમાં જોવા મળે છે. પાછલા દોઢ વર્ષ દરમિયાન નાનાવાડા ગામના બે દુદાણાના એક અને ઉના તાલુકાના એક માછીમારનું મોત પાકિસ્તાનની જેલમાં થયું છે. આજે આ મૃતક માછીમારના પરિવારજનો ખૂબ જ મુશ્કેલ આર્થિક સ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે.
પરિવારના મોભી ગુમાવવાની સાથે જ રોજગારી પણ ગુમાવી
ગુજરાતનો લાંબો દરિયાકાંઠો માછીમારી ઉદ્યોગમાં રોજગારી આપી રહ્યો છે, તે કેટલાક માછીમારોના પરિવાર માટે મુશ્કેલ પણ બની રહ્યો છે. સુરક્ષા એજન્સીના હાથે પકડાઈ ગયેલા માછીમારોને પાકિસ્તાનની જેલમાં ઠાસી દેવામાં આવે છે. અહીં કેટલાક માછીમારો પાછા ત્રણ ચાર વર્ષથી જેલમાં બંધ છે. જેનો પરિવાર પણ હવે આર્થિક સંકળામણમાં આવી ગયો છે, પરંતુ એવા કેટલાય પરિવારો છે કે જેમના મોભીનું અવસાન પાકિસ્તાનની જેલમાં જ થયું છે. ઘરમાં એક માત્ર કમાતા વ્યક્તિનું મોત પાકિસ્તાનની જેલમાં થતા જ આવા પરિવારો આર્થિક રીતે પણ પડી ભાંગ્યા છે. કેટલાક માછીમારોના પરિવારમાં સંતાનો હતા તે પહેલા અભ્યાસ કરતા હતા પરંતુ પિતા અને ઘરના મોભીનું મોત જેલમાં થતા આજે આવા માછીમાર પરિવારના સંતાનો અભ્યાસ છોડીને મજૂરી કામ કરી રહ્યા છે. દુદાણા ગામના ભુપતભાઈ વાળાનું મોત વર્ષ 2023 ના નવેમ્બર મહિનામાં પાકિસ્તાનની જેલમાં થયું હતું. ત્યારબાદ પરિવારના નિર્વાહન માટે આર્થિક સંકટ ઊભું થયું જેને કારણે ભુપતભાઈના દીકરી અને દીકરો કે જે પહેલા અભ્યાસ કરતા હતા, બાદમાં તેમના પિતાનું મોત થતા આજે અભ્યાસ છોડીને તેમની માતા મણીબેન સાથે સ્થાનિક મજૂરી કામમાં જોડાયા છે.
માછીમારોનું અપહરણ અને મોતનો કિસ્સો ખૂબ જ ચિંતાજનક
જે માછીમારો માછીમારી ઉદ્યોગ સાથે સંકળાયેલા છે અને તેમનું અપહરણ પાકિસ્તાન સુરક્ષા એજન્સીઓ દ્વારા કરવામાં આવે છે. તેને પાકિસ્તાનની જેલમાં પૂરી દેવામાં આવે છે. આવા પ્રથમ વખત પકડાયેલા માછીમારના પરિવારજનોને રાજ્યની સરકાર જ્યાં સુધી તેમના મોભી કે માછીમાર પાકિસ્તાનની જેલમાં છે ત્યાં સુધી દર મહિને પરિવારના નિર્વાહન માટે આઠથી દસ હજાર રૂપિયાની આર્થિક સહાય કરે છે, પરંતુ આ એક જ વખત મળતી સહાય છે. કોઈપણ માછીમાર બીજી વખત જો મધદરિયે પાકિસ્તાન સુરક્ષા એજન્સી દ્વારા પકડાઈ જાય તે કિસ્સામાં જેલમાં રહેલા માછીમારના પરિવારજનોને કોઈ પણ પ્રકારની સહાય કે આર્થિક વળતર આપવામાં આવતું નથી. વધુમાં જે માછીમારનું મોત બીમારી સબબ કે અન્ય કારણોસર પાકિસ્તાનની જેલમાં થાય છે તેવા તમામ માછીમારના પરિવારજનોને સરકાર એક વખત આર્થિક સહાય આપે છે. ત્યારબાદ પરિવારની આર્થિક સ્થિતિ ખૂબ નબળી બનતા માછીમારોના પરિવારજનો કારમી મજૂરી કરવા તરફ પણ આગળ વધી રહ્યા છે.
માછીમાર પરિવારજનોની માંગ
જે માછીમાર હાલ પાકિસ્તાનની જેલમાં બંધ છે અથવા તો એવા માછીમાર કે જે પાકિસ્તાનની જેલમાં રહેતા જ અવસાન પામ્યા છે આવા માછીમારોના પરિવારજનો સરકાર સમક્ષ માંગ કરી રહ્યા છે કે રાજ્ય કે કેન્દ્રની સરકાર માછીમારોના પરિવારજનોને કોઈ આર્થિક સહાય આપે, તો તેમના પરિવારનું નિર્વહન થઈ શકે વધુમાં મૃતક માછીમારના પરિવારજનોમાંથી કોઈ એક વ્યક્તિને જો સરકાર તેમની સેવામાં સામેલ કરે તો પણ પરિવારજનોને આર્થિક રીતે થોડી મજબૂતી મળી શકે છે. પાછલા ઘણા વર્ષોથી આ પ્રકારની માંગ માછીમારના પરિવારજનો અને માછીમાર ઉદ્યોગ સાથે સંકળાયેલા સમાજીક સંગઠનો કરી રહ્યા છે, પરંતુ હજુ સુધી આ બાબતને લઈને કોઈ અંતિમ નિર્ણય કે રાજ્ય સરકારે માછીમારના પરિવારજનોને વિનંતીને ગ્રાહ્ય રાખી હોય તેવી ઘટના બનવા પામી નથી. જેને કારણે પણ માછીમાર પરિવારજનો ચિંતિત જોવા મળે છે.