કચ્છ: ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા કાર્યરત કચ્છી સાહિત્ય અકાદમી દ્વારા કચ્છના સ્મૃતિવન ખાતે તા. 25 અને 26 ડિસેમ્બર દ્વિ-દિવસીય કચ્છ સાહિત્ય ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કચ્છી ભાષાના સાહિત્ય, સંગીત, નૃત્ય, ઇતિહાસ, ગીતો સબંધિત યુવા પેઢીઓને અવગત કરવા તેમજ કચ્છી ભાષા અને તેમાં રચાયેલું અનન્ય વૈવિધ્યપૂર્ણ સાહિત્ય નવી પેઢી સુધી પહોંચે તેવા પ્રયત્નો કરવામાં આવ્યા છે.
સાહિત્ય ઉત્સવ થકી કચ્છી ભાષા સંરક્ષણ અને સંવર્ધન માટે પ્રયત્નો
ગુજરાત સાહિત્ય અકાદમીના મહામાત્ર જયેન્દ્રસિંહ જાધવે જણાવ્યું હતું કે, ગયાં વર્ષથી શરૂ થયેલા વિશિષ્ટ સાંસ્કૃતિક ઉત્સવની આ બીજી આવૃત્તિ છે. કચ્છ એ વિસ્તારની દૃષ્ટિએ ગુજરાતનો સૌથી મોટો જિલ્લો છે અને કચ્છ સાંસ્કૃતિક વૈવિધ્ય અને વારસાની દૃષ્ટિએ અત્યંત સમૃદ્ધ છે. આ જિલ્લાના વિશાળ વિસ્તારમાં કચ્છી ભાષા કે જે કચ્છની પોતાની ભાષા છે તે અહીંના લોકો બોલે છે અને જે ખૂબ મીઠી બોલી છે. ગુજરાત સરકારે કચ્છની ભાષાના સંરક્ષણ અને સંવર્ધન માટે કચ્છી સાહિત્ય અકાદમીની સ્થાપના કરી છે. આ અકાદમી કચ્છી ભાષાના સંરક્ષણ અને સંવર્ધન માટે સતત પ્રયત્નશીલ રહેતી છે.
વડીલોની આંખ છે અને યુવાનોની પાંખથી અદભુત આયોજન
કચ્છી ભાષા અને તેમાં રચાયેલું અનન્ય વૈવિધ્યપૂર્ણ સાહિત્ય નવી પેઢી સુધી પહોંચે તે જરૂરી છે જેના ભાગરૂપે કચ્છ સાહિત્ય ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉત્સવના ઉદ્ઘાટન સમારોહમાં ગુજરાત કચ્છી સાહિત્ય અકાદમીના અધ્યક્ષ ભાગ્યેશ જ્હા, ભુજ વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્ય કેશુભાઇ પટેલ, કચ્છ યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ ડો. કાંતિ ગોર સહિત ઉપસ્થિત રહ્યા હતા.તો કચ્છના પદ્મશ્રી નારાયણ જોશીએ બીજ વક્તવ્ય આપ્યું હતું અને જણાવ્યું હતું કે આ સમગ્ર આયોજનમાં વડીલોની આંખ છે અને યુવાનોની પાંખ છે.
ભાષાના સાહિત્યકારોને શ્રેષ્ઠ પુસ્તક પારિતોષિકથી નવાજવામાં આવ્યા
કચ્છ સાહિત્ય ઉત્સવ 2024ના આજે પ્રથમ દિવસે કચ્છી ભાષાના સાહિત્યકારોને શ્રેષ્ઠ પુસ્તક પારિતોષિકથી નવાજવામાં આવ્યા હતા. આ ઉત્સવનો પ્રારંભ કચ્છના જાણીતા કલાકાર અને કલા વારસોનાં ભારમલ સંજોટ અને તેમની ટીમ દ્વારા કચ્છી રેયાણ - સરહદ જા સૂર માધ્યમથી કચ્છના સંગીતથી શરૂઆત કરવામાં આવી હતી. કચ્છ સાહિત્ય ઉત્સવના પ્રથમ દિવસે સાત અને બીજા દિવસે સાત એમ કુલ 14 સત્રનું આયોજન કરવામાં આવ્યું છે.
કચ્છી લોકકલાકારો પણ કરશે મંચન
કાર્યક્રમમાં કચ્છી ભાષા-સાહિત્યને લગતા વિવિધ પુસ્તકનું પણ વિમોચન કરવામાં આવ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમના સ્થાનિક સંયોજક તરીકે ડો. કાશ્મીરા મહેતાએ જવાબદારી સંભાળી છે. ભુજ અને કચ્છના લોકો આ ઉત્સવને નિ:શુલ્ક રીતે માણી શકશે. કચ્છી લોકકલાકાર એવા દેવરાજ ગઢવી, વંદના ગઢવી, રાજ ગઢવી, કવિ માણેક અને કવિ આલ પણ વિવિધ વિદ્યાઓ દ્વારા કચ્છની ચારણી સાહિત્ય પરંપરાનું ગીતોના માધ્યમથી મંચન કરશે.
કચ્છની સ્થાનિક શૈક્ષણિક અને સાહિત્યિક સંસ્થાઓએ પણ લીધો ભાગ
વૈશાલી સોલંકી જેવા કલાકારો પોતાના શિષ્યો સાથે નૃત્ય મારફતે કચ્છની ભાતીગળ સંસ્કૃતિને ઉજાગર કરી હતી. કચ્છના અગ્રણી પત્રકારો દીપક માંકડ, કીર્તિભાઇ ખત્રી અને દલપતભાઇ દાણીધારિયા કચ્છના પત્રકારત્વ વિશેની પેનલ ચર્ચામાં જોડાશે, જેનું સંચાલન જાણીતા લેખક અને ઈતિહાસકાર સંજય ઠાકર કરશે. આ સાહિત્ય ઉત્સવમાં કચ્છની સ્થાનિક શૈક્ષણિક અને સાહિત્યિક સંસ્થાઓએ પણ ભાગ લીધો છે.
આ પણ વાંચો: