દ્વારકા: દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખા ખાતે આજે જેટીની કામગીરી દરમિયાન ક્રેન તૂટી પડવાની દુર્ઘટના ઘટી હતી. જેમાં 3 જેટલા મજૂરોના કરુણ મોત નિપજ્યા હતા. ઘટનાની જાણ થતા જ ફાયર વિભાગ, કાસ્ટ ગાર્ડ તથા 108ની ટીમ સ્થળ પર પહોંચી હતી. જોકે મજૂરોને બચાવી શકાયા નહોતા.
ઓખા જેટી પર દુર્ઘટના
વિગતો મુજબ, ઓખા જેટી પર કોસ્ટ ગાર્ડની જેટી બનાવવાની કામગીરી ચાલી રહી હતી. આ દરમિયાન ક્રેન તૂટી પડતા 2 મજૂરો તેના નીચે દબાઈ જતા ઘટના સ્થળે જ તેમના મોત નિપજ્યા હતા. જ્યારે અન્ય એક મજૂર દરિયામાં પડી જવાથી તેનું મોત થઈ ગયું હતું. સ્થાનિક માછીમારો દ્વારા દરિયામાં પડેલા શ્રમિકને બહાર કાઢવામાં આવ્યો હતો. જ્યારે ક્રેન નીચે દબાયેલા 2 શ્રમિકને તંત્ર દ્વારા બહાર કાઢવામાં આવ્યા હતા. વિગતો મુજબ, ત્રણેય મૃતક શ્રમિકો ઉત્તર પ્રદેશના વતની હતા.
3 કામદારોના મોત
PTI મુજબ, જિલ્લા કલેક્ટર જી.ટી પંડ્યાએ જણાવ્યું હતું કે, ઓખા બંદર પર જેટીનું નિર્માણ ગુજરાત મેરીટાઇમ બોર્ડ દ્વારા કરવામાં આવી રહ્યું છે. ઓખા મરીન પોલીસ સ્ટેશનના એક અધિકારીએ જણાવ્યું હતું કે, ક્રેન દ્વારા કચડાઈ જતાં બે કામદારોનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય એક કામદારને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો જ્યાં તેનું મૃત્યુ થયું હતું.
હાલમાં ત્રણેય શ્રમિકોના મૃતદેહોને પોસ્ટ મોર્ટમ માટે દ્વારકા હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા છે. નોંધનીય છે કે, ક્રેન તૂટી પડવાની ઘટના બનતા ઓખા સીટી પર કોસ્ટ ગાર્ડ, ફાયર વિભાગ, તથા 108 ની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી.
મૃતકોના નામ
અરવિંદકુમાર મોરાલીલાલ (યુપી)
જીતેન્દ્ર ગોબરીયા (ઉ. વર્ષ 30) યુપી
નિશાંતસિંહ રામસિંહ (ઉ. વર્ષ 25) યુપી
આ પણ વાંચો: