- વેસ્ટર્ન ડિસ્ટબન્સના પગલે ભરૂચ જિલ્લામાં કમોસમી વરસાદ
- ભરૂચ શહેરમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા
- શિયાળાની ઠંડીમાં વરસાદને કારણે વાતાવરણ વધુ ઠંડુ થયું
ભરૂચ: વેસ્ટર્ન ડિસ્ટબન્સના પગલે સમગ્ર રાજયમાં બે દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. જેમાંથી ભરૂચ જિલ્લો પણ બાકાત રહ્યો નથી. ભરૂચ જિલ્લામાં ગત રાતથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે. જિલ્લામાં સાર્વત્રિક કમોસમી વરસાદ ખાબક્યો હતો.
ભરૂચ જિલ્લામાં થયેલા કમોસમી વરસાદના તાલુકાવાર આંકડા
આમોદ | 3 મીમી |
અંકલેશ્વર | 17 મીમી |
ભરૂચ | 22 મીમી |
હાંસોટ | 13 મીમી |
જંબુસર | 11 મીમી |
નેત્રંગ | 06 મીમી |
વાગરા | 17 મીમી |
વાલિયા | 18 મીમી |
ઝઘડિયા | 05 મીમી |
ભરૂચમાં 22 મીમી વરસાદ ખાબકતા અનેક વિસ્તારોમાં પાણી ભરાયા
ભરૂચ શહેરમાં એક ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. ત્યારે શહેરના અનેક વિસ્તારોમાં માર્ગ પર વરસાદી પાણી ભરાઈ ગયા હતા. શહેરના સેવાશ્રમ રોડ, દાંડિયા બજાર અને ફૂરજ વિસ્તારમાં વરસાદી પાણી ભરાઇ જતા ભરશિયાળે ચોમાસા જેવો માહોલ જોવા મળ્યો હતો. શિયાળામાં નીચા તાપમાન વચ્ચે વરસાદ વરસતા વાતાવરણ વધુ ઠંડુગાર બની ગયું હતું.
કમોસમી વરસાદના કારણે ખેતીના પાકને વ્યાપક નુકશાન
ભરૂચ જિલ્લામાં વરસેલા કમોસમી વરસાદના કારણે કોટન કિંગ ગણાતા ભરૂચમાં કપાસના પાકને વ્યાપક નુકશાન થયું છે.આ ઉપરાંત તુવેર, કઠોળ અને શાકભાજીના પાકને પણ નુકશાન થયું છે. હાલ શેરડી કટિંગનો સમય છે ત્યારે ખેતરમાં વરસાદી પાણી ભરાઈ જતા શેરડીનું કટિંગ પણ વિલંબમાં મુકાયું છે.
દહેજના મીઠા ઉદ્યોગને પણ નુકશાન
કમોસમી વરસાદના પગલે ખેતીના પાકને તો નુકશાન પહોચ્યું જ છે. સાથે મીઠા ઉદ્યોગને પણ ફટકો પડયો છે. ભરૂચના દહેજ વિસ્તારમાં દરિયા કિનારે મીઠાના ઘણા અગર આવેલા છે. આ અગરમાં પાણી ભરાઈ જતાં મીઠા ઉદ્યોગકારોને કરોડો રૂપિયાના નુકશાનનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે.