ભરૂચઃ જિલ્લાના બે SRP જવાનોને કોરોના પોઝિટિવ આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. વાલિયા નજીક આવેલા રૂપનગર કેમ્પના બન્ને જવાનો ફરજ બજાવવા અમદાવાદ ગયા હતા, જ્યાં કોરોનાના સંક્રમણનો ભોગ બન્યા હતા.
ભરૂચ જિલ્લો કોરોના મુક્ત થયા બાદ ફરીથી કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. જંબુસરના 18 વર્ષીય યુવાનને કોરોના પોઝિટિવ આવ્યા બાદ SRPના બે જવાનો પણ કોરોનાનો ભોગ બન્યા છે. વાલિયા તાલુકાના રૂપનગર ખાતે આવેલા SRP કેમ્પમાં રહેતા 37 વર્ષીય અશોક પટેલ અને 40 વર્ષીય પ્રિયવદન વસાવા થોડા દિવસો અગાઉ ફરજ બજાવવા અમદાવાદ ગયા હતા. બન્ને તારીખ પહેલી મેના રોજ પરત રૂપનગર આવતા વાલિયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે તેમનું ચેકઅપ કરવામાં આવ્યા બાદ તેઓમાં કોરોનાના લક્ષણ દેખાતા રવિવારે વાલિયા આરોગ્ય આરોગ્ય કેન્દ્ર ખાતે તેઓના સેમ્પલ લેવામાં આવતા બન્નેને કોરોના પોઝિટિવ હોવાનું બહાર આવ્યું છે.
આરોગ્ય વિભાગ દ્વારા બન્ને જવાનોને સારવાર અર્થે અંકલેશ્વરની સ્પેશ્યિલ કોવિડ જયાબહેન મોદી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. કોરોનાનો ભોગ બનેલા બન્ને જવાનોને ડાયાબીટીસ હોવાનું પણ બહાર આવ્યું છે. આ તરફ તંત્ર દ્વારા રૂપનગર SRP કેમ્પ અને તેની આસપાસના 14 ગામોને કન્ટેઈનમેન્ટ એરિયા જાહેર કરવામાં આવ્યો છે અને ૭ ગામોની સરહદ સીલ કરી દેવામાં આવી છે.
અહીં ઉલ્લેખનીય છે કે, હાલમાં વાલિયા રૂપનગર SRP કેમ્પમાં 42 જવાનો રહે છે અને તે પૈકી 5 જવાનોના સેમ્પલ લેવામાં આવ્યા હતા.