ભરૂચ: સરકાર દ્વારા લોકડાઉનમાં છૂટછાટ અપાતા ભરૂચના માર્ગો પર વાહનોની વધુ અવર જવર દેખાઈ રહી છે. કેબલ બ્રિજના ટોલ પ્લાઝા પર ટોલ વસુલવાનું પણ શરુ કરાયું છે. કોરોના વાઇરસના સંક્રમણને અટકાવવા દેશમાં બીજા તબક્કાનું લોકડાઉન ચાલી રહ્યું છે. જો કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેરાત કર્યા મુજબ 20 એપ્રિલ એટલે કે, આજથી લોકડાઉનમાં કેટલીક છૂટછાટ આપવામાં આવી છે. મેડીકલ,બેન્કિંગ ક્ષેત્ર, ઉદ્યોગો, મત્સ્ય ઉદ્યોગ સહિતના ક્ષેત્રમા છૂટછાટ આપવામાં આવી છે, ત્યારે ભરૂચમાં તેની અસર જોવા મળી હતી.
ભરૂચમાં લોકડાઉનનાં અન્ય દિવસોની સરખામણીએ આજે માર્ગો પર વાહનોની વધુ અવર જવર જોવા મળી હતી. બીજી તરફ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પણ ધમધમતો થયો હતો. ભરૂચના કેબલ બ્રીજ પર આવેલા ટોલ પ્લાઝા પર માર્ગ અને પરિવહન વિભાગના આદેશથી ટોલ વસુલવાનું પણ શરુ કરવામાં આવ્યું છે.