ભરૂચઃ કેન્દ્ર સરકાર દ્વારા લોન લેનારા વ્યક્તિ કે વેપારીને મોટી રાહત આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. સરકારે સુપ્રીમ કોર્ટ સમક્ષ મોરેટોરિયમના સમયગાળા દરમિયાન 6 માસના વ્યાજ ઉપર વ્યાજની માફી આપવાની એફિડેવિટ કરી છે ત્યારે નાના ઉદ્યોગો માટે આનંદના સમાચાર છે. કેન્દ્ર સરકાર દ્વારા મોરેટોરિયમના સમયગાળા દરમિયાન લોનની ભરપાઈમાં રાહત આપવામાં આવી હતી.
માર્ચ મહિનાથી આ રાહત અપાઈ હતી, પરંતુ ત્યાર બાદ વ્યાજ પરના વ્યાજની વસૂલાત કરવાનું નક્કી કરાયું હતું. જોકે આ અંગે કેન્દ્ર સરકાર દ્વારા સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ કરવામાં આવી છે અને ચક્રવૃદ્ધિ વ્યાજની વસૂલાત નહીં કરવામાં આવે તેમ જણાવવામાં આવ્યું છે. રૂપિયા 2 કરોડ સુધીની લોન ઉપરની માફી આપવાનું નક્કી કરવામાં આવ્યું છે, જેમાં એમએસએમઈને પણ સમાવવામાં આવ્યા છે. નાના અને મધ્યમ ઉદ્યોગો કે જેઓ સાંપ્રત સમયમાં ટકી રહેવા માટે ઝઝૂમી રહ્યા છે તેઓ માટે આ વ્યાજ માફી પૂરક બળ સમાન સાબિત થશે તેમ ઉદ્યોગપતિઓ માની રહ્યા છે.
અંકલેશ્વર ખાતે નાના અને મધ્યમ ઉધોગોની સંખ્યા 1200થી વધુ છે ત્યારે આવા ઉદ્યોગોને આ લાભ મળવાથી તેઓમાં આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ટકવું કંઈક અંશે સહેલું થશે. આ અંગે અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ રમેશ ગાબાણીએ જણાવ્યું કે, સરકારનો આ નિર્ણય આવકારદાયક છે અને નાના અને મધ્યમ ઉદ્યોગો જે બંધ થવાની કગાર પર છે તેઓને પણ બળ મળી શકશે. આ જાહેરતનું વહેલી તકે અમલીકરણ કરવામાં આવે તે ખૂબ જરૂરી છે. તો અંકલેશ્વરના ઉદ્યોગપતિ પ્રવીણ તેરૈયાએ જણાવ્યું કે, સરકાર એમએસએમઈ માટે વિચારી રહી છે તે ખૂબ આવકારદાયક પગલું છે. કોરોનાની મહામારીના કારણે કેટલાય નાના ઉદ્યોગો મૃતપાય અવસ્થામાં આવી ગયા હતા અને લોન પરના વ્યાજ ની ભરપાઈ કરવા પણ સક્ષમ ન હતા ત્યારે આ પગલું આવકાર દાયક છે ને વહેલી તકે તેનો અમલ થાય તે ખુબ જરૂરી છે.