ભરૂચઃ જિલ્લા નજીક હાઈવે પર માર્ગના સમારકામની કામગીરી શરૂ કરવામાં આવી છે. જેના પગલે ટ્રાફિકજામના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ભરૂચ નેશનલ હાઇવે પર ટ્રાફિકની વારંવાર સમસ્યા સર્જાતી હોય છે. હાઇવે પરથી પસાર થવું વાહન ચાલકો માટે માથાના દુ:ખાવા સમાન બની ગયું હતું. તેમા સરદાર બ્રીજ પર ચોમાસામાં પડેલાં ખાડાઓ ટ્રાફિકની સમસ્યા માટેનું મુળ કારણ બન્યું હતું. જોકે, હવે ચોમાસું પૂર્ણ થતાં નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા બ્રીજની મરામતની કામગીરી શરૂ કરરવામાં આવી છે. જેના ભાગરૂપે સૂરતની એક કંપનીને રૂપિયા 1.94 કરોડમાં બ્રીજની કામગીરીનો ઇજારો આપવામાં આવતાં તેની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.
જેમાં બ્રીજના બન્ને તરફ ખાડાઓ દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. ઉપરાંત બ્રીજની મરામતમાં તેના એક્સપેન્શન જોઇન્ટર પણ બદલવાની કવાયત હાથ ધરવામાં આવશે. આગામી બે મહિનામાં બ્રીજની કામગીરી પૂર્ણ કરવામાં આવે તે પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે. જોકે એક તરફ જ્યાં બ્રીજની મરામતની કામગીરી ચાલી રહી છે. ત્યારે વાહનોની એક જ લાઇન ચાલુ રહેતાં ટ્રાફિક અવરોધાયો છે. જેના પગલે ભરૂચ વડદલા સુધી અંદાજે 7 કિમી સુધી વાહનોની કતારો લાગી છે.