- શિક્ષકે શાળાના ઓનલાઈન ગ્રુપમાં અશ્લીલ વીડિયો શેર કરતાં હોબાળો
- વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણ માટે બનાવાયેલા ગ્રુપમાં શિક્ષકે જ અશ્લીલ વીડિયો અને ફોટા પોસ્ટ કર્યા
- પોલીસે શિક્ષકની અટકાયત કરી તપાસ શરુ કરી
ભરુચ: કોરોના વાયરસની મહામારીના કારણે હાલ શાળા કોલેજ બંધ છે. ત્યારે વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. આ માટે શાળાઓ દ્વારા માહિતીના આદાન પ્રદાન માટે વોટ્સએપ ગ્રુપ બનાવવામાં આવે છે. અંકલેશ્વરના પદ્માવતી નગરમાં આવેલા સરસ્વતી વિદ્યામંદિર દ્વારા પણ બાળકોના ઓનલાઈન શિક્ષણ માટે ધોરણ 9 અને 10નું એક વોટ્સએપ ગ્રુપ બનાવવામાં આવ્યું હતું. જેમાં શાળામાં કમ્પ્યુટર શિક્ષક તરીકે ફરજ બજાવતા અને ગણિત વિજ્ઞાન વિષયનું શિક્ષણ આપતા શિક્ષક રાકેશ ચૌબેએ ગતરાત્રીના સમયે શાળાના ગ્રુપમાં અશ્લીલ ફોટા અને વીડિયો પોસ્ટ કર્યા હતા.
પોલીસે શિક્ષકની અટકાયત કરી તપાસ શરૂ કરી
આ બાબતની જાણ થતાની સાજે જ વાલીઓ આજરોજ શાળા પર પહોચ્યા હતા અને ભારે હોબાળો મચાવ્યો હતો. શિક્ષકને મેથીપાક પણ ચખાડ્યો હતો.બનાવની જાણ થતાની સાથે જ જીઆઈડીસી પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને શિક્ષકની અટકાયત કરવામાં આવી હતી.પોલીસે શિક્ષક વિરુદ્ધ ગુનો નોધવાની તજવીજ શરુ કરી છે.સ્થાનિક આગેવાન સિરાજભાઈના જણાવ્યા અનુસાર આ પહેલા પણ શાળામાં આ પ્રકારની ઘટના બની ચૂકી છે. ત્યારે તંત્ર દ્વારા શાળા સંચાલકો અને શિક્ષક પર કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી છે.