ભરૂચઃ વાલિયા રૂપનગર કેમ્પના અમદાવાદ ફરજ પર ગયેલા 2 SRPના જવાનોને કોરોના પોઝિટિવ આવ્યા બાદ વધુ એક જવાન કોરોનાનો ભોગ બન્યો છે. વાલિયા રૂપનગર કેમ્પમાં રહેતા એસ.આર.પી.જવાન જયંતિલાલ ભીલ તારીખ 24 માર્ચથી વડોદરાના યાકુબ પુરા વિસ્તારમાં ફરજ પર હાજર હતા. તે દરમિયાન તેઓ તારીખ 30 એપ્રિલના રોજ પરત વાલિયા આવ્યા હતા. વાલિયા આવ્યા બાદ તેમને કોરોનાના લક્ષણ દેખાતા સેમ્પલ લેવામાં આવ્યા હતા, જેમાં તેઓને કોરોના પોઝિટિવ હોવાનું બહાર આવ્યું છે.
આ ઉપરાંત કોરોનાગ્રસ્ત SRP જવાનને સારવાર અર્થે અંકલેશ્વરની સ્પેશિયલ કોવિડ જયાબહેન મોદી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. તો આ તરફ તેની સાથે રહેલા અન્ય 48 જેટલા જવાનને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. કોરોનાગ્રસ્ત જવાનને ડાયાબીટીસ અને હાઈ બ્લડપ્રેશરની બીમારી હોવાનું જાણવા મળ્યું છે.
અહીં ઉલ્લેખનીય છે કે, ભરૂચ જિલ્લામાં અત્યાર સુધી SRPના ત્રણ જવાનો કોરોના વાઇરસનો શિકાર બન્યા છે. તો જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 32 પર પહોંચી છે.