ભરૂચઃ ભારત દુનિયાના મોટા કેમિકલ મેન્યુફેક્ચર પૈકીનું એક છે. તેમ છતાં જીવન રક્ષક દવાના ઉત્પાદન માટે અતિ મહત્વના API એટલે કે, એક્ટિવ ફાર્માસ્યુટિકલ્સ ઇન્ગ્રીડિએન્ટ્સ અને ઇન્ટરમિડિયેટ્સ માટે ભારતીય ઉદ્યોગ ચીન ઉપર આધારિત છે. ચીને બલ્ક પ્રોડક્શન અને ઉદ્યોગનીતિઓની રચનાથી આ ઉત્પાદનો એટલી હદે સસ્તા ઉત્પાદિત કર્યાં છે કે, ભારતીય ઉદ્યોગો આ કેમિકલ્સ પોતે ઉત્પાદન કરે તો પણ ચીનની આયાત કરતા મોંઘા થાય છે. જેથી સ્પર્ધામાં હાર સ્વીકારી ભારતીય ઉદ્યોગોએ API અને ઇન્ટરમિડિયેટ્સ આયાત કરવાનું શરૂં કર્યું છે, જે સિલસિલો લાંબા સમયથી ચાલી રહ્યો છે.
કોરોના મહામારી બાદ ચીન ઉપરથી વિશ્વના દેશો નિર્ભરતા ઓછી કરવા પ્રયત્ન કરી રહ્યાં છે. આવા સમયે ભારત પહેલી પસંદ બની શકે છે, ત્યારે ભારતીય ઉદ્યોગોને ડિસ્ટર્બ રાખવા ચીન ભારતીય ઉદ્યોગોને નિકાસ થતાં કેમિકલના રેટ અસ્થિર રાખી ડિલિવરી પણ અનિયમિત બનવાનો પ્રયાસ કરે છે.
ભરૂચ દેશનું સૌથી મોટું કેમિકલ ક્લસ્ટર છે. અહીંના ઉદ્યોગો ચીનના પેતરાઓ સામે પોતે ઉત્પાદન વધારવા સાથે સાથે ચીનની આયત ઓછી કરી નિર્ભરતા ઘટાડવા પ્રયત્ન કરી રહ્યાં છે, ત્યારે આગામી સમયમાં ભારત કેમિકલ ક્ષેત્રમાં નંબર વન તરીકે ઓળખાય તો નવાઈ નહીં.