ભરૂચઃ જિલ્લાના આમોદના આમલી ફળિયાના વૃદ્ધને કોરોના પોઝિટિવ આવતા સારવાર અર્થે વડોદરાની ગોત્રી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.
ભરૂચ જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા ફરી વધી રહી છે. સોમવારે એસ.આર.પી.ના બે જવાનોને કોરોના પોઝિટિવ આવ્યા બાદ આમોદના એક વૃદ્ધને પણ કોરોના પોઝિટિવ આવ્યો છે. આમોદના આમલી ફળિયામાં રહેતા 86 વર્ષીય ચતુરભાઈ પરમાર નામના વૃદ્ધ ગોઇટરનાં ઓપરેશન માટે વડોદરાની એક હોસ્પિટલમાં ગયા હતા, જે બાદ તેઓને કોરોનાના લક્ષણ જણાતા તેમનું સેમ્પલ લેવામાં આવ્યું હતું. જેમાં તેઓને કોરોના પોઝિટિવ હોવાનું બહાર આવ્યું છે.
વધુમાં વૃદ્ધને હાલ સારવાર અર્થે વડોદરાની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, તો આ તરફ આમોદના આમલી ફળિયા અને આસપાસના વિસ્તારોને કન્ટેઈમેન્ટ એરિયા જાહેર કરવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે, ભરૂચ જિલ્લો કોરોના મુક્ત થયા બાદ કોરોનાના ચાર કેસ પોઝિટિવ આવ્યા છે. આ ચારેય લોકો અન્ય જિલ્લામાંથી ભરૂચ જિલ્લામાં આવ્યા હતા. જેમાં જંબુસરના વડ ગામનો યુવાન સુરતથી જંબુસર, એસ.આર.પી.ના બે જવાન અમદાવાદથી વાલિયા અને આમોદના વૃદ્ધ વડોદરાથી આવ્યા હતા, ત્યારે જિલ્લા બહારથી આવતા લોકો કોરોના સંક્રમિત હોવાનું ફલિત થઇ રહ્યું છે. આવા લોકોના સ્ક્રીનીગ માટે તંત્ર વિશેષ વ્યવસ્થા કરે એ જરૂરી બન્યું છે.