- એક મહિના પૂર્વે એક જ દિવસમાં 62 મૃતદેહના કરવામાં આવ્યા હતા અંતિમ સંસ્કાર
- છેલ્લા 24 ક્લાકમાં 5 મૃતદેહોના કોરોના પ્રોટોકોલના આધારે અંતિમ સંસ્કાર કરાયા
- સ્મશાનમાં કામ કરતા લોકોએ રાહતનો શ્વાસ અનુભવ્યો
ભરૂચ: જિલ્લામાં કોરોનાનો કહેર ઓછો થયો હોવાનું લાગી રહ્યું છે. સ્પેશિયલ કોવિડ સ્મશાનમાં એક મહિના પૂર્વે એક જ દિવસમાં 62 મૃતદેહના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. ત્યારે, છેલ્લા 24 ક્લાકમાં 5 મૃતદેહોના કોરોના પ્રોટોકોલના આધારે અંતિમ સંસ્કાર કરાયા છે.
આ પણ વાંચો: ભરૂચમાં એક દિવસમાં રેકોર્ડ બ્રેક 62 મૃતકોના અંતિમ સંસ્કાર
બીજી લહેરમાં રેકોર્ડ બ્રેક અંતિમ સંસ્કાર
ભરૂચ જિલ્લામાં કોરોનાની બીજી લહેર ઘાતકથી અતિ ઘાતક પુરવાર થઈ હતી અને મૃત્યુઆંકે તમામ રેકોર્ડ બ્રેક કર્યા હતા. ભરૂચમાં સ્મશાન ગૃહો માનવ વસાહત નજીક આવેલા હોવાના કારણે ગોલ્ડનબ્રિજ નજીક નર્મદા નદીના કિનારે સ્પેશિયલ કોવિડ સ્મશાન બનાવવામાં આવ્યું હતું. જ્યાં, કોરોના પ્રોટોકોલના આધારે મૃતદેહોના અંતિમ સંસ્કાર કરવામાં આવે છે. કોવિડ સ્મશાનમાં કોરોનાની બીજી લહેરમાં મૃત્યુઆંકમાં વધારો થયો હતો. પરંતુ, હવે સમગ્ર રાજ્યની સાથે ભરૂચ જિલ્લામાં પણ કોરોનાના કેસમાં ઘાટાડો નોંધાઈ રહ્યો છે.
એક મહિના પૂર્વે આજના દિવસે 62 મૃતદેહના થયા હતા અંતિમ સંસ્કાર
ભરૂચના સ્પેશિયલ કોવિડ સ્મશાનમાં એક મહિના પૂર્વે આજના દિવસે એટલે કે 3જી મેના રોજ એક જ દિવસમાં 62 મૃતદેહના અંતિમ સંસ્કાર કોરોના પ્રોટોકોલના આધારે કરવામાં આવ્યા હતા. જે કોરોનાની પ્રથમ અને બીજી લહેર મળી એક દિવસમાં થયેલા અંતિમ સંસ્કારનો સૌથી મોટો આંકડો હતો. પરંતુ, હવે કોરોનાનો કહેર ઘટતા છેલ્લા 24 કલાકમાં 5 મૃતદેહના કોરોના પ્રોટોકોલના આધારે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો: ભારત બાયોટેકની કોવેક્સિનનું અંકલેશ્વરમાં ઉત્પાદન થશે
અત્યાર સુધી 2154 મૃતદેહના કરાયા અંતિમ સંસ્કાર
કોવિડ સ્મશાનમાં અત્યાર સુધીમાં 2154 મૃતદેહોના કોરોના પ્રોટોકોલના આધારે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે. કોરોનાનો કહેર ઓછો થતા સ્મશાનના સંચાલકોએ પણ રાહત શ્વાસ લીધો છે. સ્મશાનના સંચાલક ધર્મેશ સોલંકીએ જણાવ્યુ હતું કે, કોરોનાની બીજી લહેર પિક પર હતી. ત્યારે, સ્મશાનમાં અંતિમ સંસ્કાર માટે શબવાહીનીઓની કતાર લાગતી હતી. પરંતુ, હવે મૃત્યુ આંકમાં પણ ઘટાડો થયો છે. ત્યારે, સ્મશાનમાં કામ કરતા લોકો પણ હવે રાહતનો શ્વાસ અનુભવી રહ્યા છે.