અંકલેશ્વર: 11મી સપ્ટેમ્બરના રોજ M.Com part-2માં એકાઉન્ટનસીનું પેપર લેવામાં આવ્યું હતું. જે પેપર પરીક્ષા પહેલાં જ સોશિયલ મીડિયામાં ફરતું થઈ ગયું હતું. પેપર લીક થતા વીર નર્મદ દક્ષીણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા તપાસના આદેશો પણ આપવામાં આવ્યા હતા.
જે વિદ્યાર્થીઓએ લોકડાઉનના સમયમાં પણ જીવના જોખમે પરીક્ષાઓ આપી હતી. તેઓ માટે આ ઘટના આઘાતજનક હોવાના આક્ષેપો NSUI દ્વારા કરવામાં આવ્યા હતા. દરમિયાન વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનીવર્સીટીની તપાસ સમિતિની તપાસમાં આ પેપર અંકલેશ્વરની કુસુમબહેન કડકીયા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ પ્રધ્યાપક દ્વારા લીક કરાયું હોવાનું પ્રાથમિક તબક્કે બહાર આવ્યું હતું.
અંકલેશ્વરની કડકીયા કોલેજ ખાતે એકાઉન્ટ્સ વિભાગના બે પ્રધ્યાપકો સેવા આપી રહ્યા છે. આ બે પૈકી એક દ્વારા પેપર લીક કરવામાં આવ્યું હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. જો કે હાલમાં આ અંગેની તપાસ ચાલી રહી છે. દરમિયાન NSUI દ્વારા બુધવારે વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું અને કડકીયા કોલેજ ખાતે ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી. આ અંગે NSUIના પ્રમુખ યોગી પટેલે જણાવ્યું હતું કે, આ ઘટના શરમજનક છે અને વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા થઇ રહ્યા છે. ત્યારે જવાબદારો સામે કડકમાં કડક પગલાં ભરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.