- ભરૂચ માટે કોરોનાઅને લઇ રાહતના સમાચાર
- શનિવાર બાદ કોવિડ સ્મશાનમાં એક પણ કોરોના દર્દીના અંતિમ સંસ્કાર નથી કરાયા
- સોમવારે માત્ર 4 પોઝિટિવ કેસ નોંધાયા
ભરૂચ : કોરોનની પરિસ્થિતિ ધીમેધીમે સુધરી રહી છે. ભરૂચમાં 2,500થી વધુ કોરોનાના પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે કોરોનાને કારણે 250થી વધુ દર્દીઓ મૃત્યુ પામ્યા છે. જેમના અંતિમસંસ્કાર કોવિડ સ્મશાનમાં કરવામાં આવ્યા છે. કોવિડ સ્મશાનના આંકડા અનુસાર 3 મહિનામાં 360 મૃતકોની અંતિમક્રિયા કરવામાં આવી છે. જુલાઈ માસના અંતિમ તબક્કામાં કોરોના દર્દીઓ માટે વિશેષ કોવિડ સ્મશાન બનાવામાં આવ્યા બાદ મહત્તમ 8થી 10 અંતિમક્રિયાઓ એક દિવસમાં કરવામાં આવી હતી.
- કોરોના મૃત્યુ દરમાં ઘટાડો
સપ્ટેમ્બરના અંતિમ સપ્તાહથી કોરોના દર્દીઓના મૃત્યુનો દર ખૂબ જ ઘટી રહ્યો છે. સપ્ટેમ્બરના અંતિમ અને ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં રોજના 2થી 3 કોરોના દર્દીઓ મૃત્યુ પામતા હતા, પરંતું શનિવારથી કોરોના મૃત્યુઆંકના આંકડામાં પણ સતત ઘટાડો જોવા મળ્યો હતો.
- શનિવાર બાદ એકપણ કોરોના મૃતદેહ સ્મશાન નથી લવાયો
શનિવાર સાંજથી કોવિડ સ્મશાનમાં સન્નાટો છવાઈ ગયો છે. છેલ્લા બે દિવસથી એક પણ ચિતા સળગી નથી. ભરૂચના કોવિડ સ્મશાન સંચાલક ધર્મેશ સોલંકીના જણાવ્યા અનુસાર શનિવાર સાંજે છેલ્લી ચિતા સળગ્યા બાદ કોવિડ સ્મશાનમાં કોરોના સારવાર દરમિયાન મૃત્યુ પામ્યા હોય એવા એકપણ દર્દીનો મૃતદેહ સ્મશાનમાં લાવવામાં આવ્યો નથી. ભરૂચમાં સરેરાશ દર્દીઓની સંખ્યા દરરોજ 15 આસપાસ નોંધાઈ રહી છે, જેની સામે મૃતકઆંક 0 સુધી પહોંચતા રિકવરી રેટમાં ખુબ સારું પરિણામ મળી રહ્યું છે તેમ ચોક્ક્સ કહી શકાય.
- ભરૂચ જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસની 2529
ભરૂચ જિલ્લામાં સોમવાર સાંજે 5 કલાક સુધીમાં ભરૂચ જિલ્લામાં કોરોના વાઇરસના માત્ર 4 પોઝિટિવ કેસ નોંધાયા હતા. આ સાથે ભરૂચ જિલ્લામાં કોરોના પોઝિટિવનો કુલ આંક 2529 પર પહોંચ્યો છે. જે દર્શાવે છે કે, ભરૂચ જિલ્લામાં કોરોનાની રફ્તાર ધીમી પડી રહી છે.
- રવિવારે પણ માત્ર 9 પોઝિટિવ કેસ નોંધાયા હતા
નવા નોંધાયેલા કોરોના પોઝિટિવ દર્દીઓને સારવાર અર્થે કોવિડ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. સોમવારે પોઝિટિવ આવેલા કેસ મળીને ભરૂચ જિલ્લામાં કોરોના પોઝિટિવ કુલ કેસની સંખ્યા 2529 પર પહોંચી છે. ભરૂચ જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી કોરોનાના પોઝિટિવ કેસની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો આવ્યો છે. આ અગાઉ પણ માત્ર 9 જ પોઝિટિવ કેસ નોંધાયા હતા, ત્યારે કોરોનાના કેસમાં ઘટાડો આવતા રાહત સાંપડી રહી છે.