- ગયા અઠવાડિયે જ બેરેક પાસેનાં છોડ નીચે સંતાડેલો મોબાઈલ ફોન મળ્યો હતો
- આ વખતે ચેકિંગ દરમ્યાન કાચા કામનાં કેદીનાં ખિસ્સામાંથી બે મોબાઈલ ફોન મળ્યા
- મોબાઈલ રાખનાર કેદી સહિત જેલરને ધમકી આપનાર કેદી વિરૂદ્ધ પણ ગુનો નોંધાયો
કાચા કામના કેદીએ પેન્ટનાં ખિસ્સામાં જ રાખ્યા હતા બે મોબાઈલ ફોન અને સિમકાર્ડ
ભરૂચ સબજેલમાં ગ્રૂપ-2નાં જેલર તરીકે ફરજ બજાવતા કિરણ ઠાકોરને બાતમી મળી હતી કે, જેલમાં સજા ભોગવી રહેલા કેટલાક કેદીઓ જેલમાં પ્રતિબંધિત મોબાઈલ ફોનનો ઉપયોગ કરી રહ્યાં છે. બાતમીનાં આધારે ચેકિંગ હાથ ધરવામાં આવતા બેરેક નંબર સી-2માં કાચા કામના કેદી તરીકે સજા ભોગવી રહેલા નિર્મલસિંગ બાજીગરના પેન્ટના ખિસ્સામાંથી અલગ અલગ કંપનીના બે મોબાઈલ ફોન અને બે સિમ કાર્ડ મળી આવ્યા હતાં. જેથી જેલ સત્તાધીશોએ તેના વિરૂદ્ધ ભરુચ શહેર બી-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
જેલર સાથે અસભ્ય વર્તન કરનાર અન્ય કેદી વિરૂદ્ધ પણ ગુનો દાખલ
જેલ સત્તાધીશો દ્વારા હાથ ધરાયેલા ચેકિંગ દરમ્યાન વિરપાલ ચાવડા નામનાં એક કેદીએ જેલર સાથે બોલાચાલી કરીને અસભ્ય વર્તન કર્યુ હતું. આ ઉપરાંત તેણે જેલરને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. જેથી જેલ સત્તાધીશોએ તેના વિરૂદ્ધ પણ બી-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
નવા વર્ષનાં પ્રથમ દિવસે જ સબજેલમાંથી મોબાઇલ મળ્યો હતો
ભરુચ સબજેલમાંથી અવારનવાર મોબાઈલ ફોન મળવાની ઘટનાઓ સામે આવતી હોય છે. આ સપ્તાહમાં જ બીજી વખત મોબાઈલ મળવાની ઘટના સામે આવી છે. આ અગાઉ નવા વર્ષનાં પ્રથમ દિવસે જ અમદાવાદની ઝડતી સ્કવૉડનાં ચેકિંગ દરમ્યાન જેલના સર્કલ-2માં આંકડાના છોડ નીચે સંતાડેલો મોબાઈલ ફોન મળી આવ્યો હતો. ભરૂચ સબજેલમાં કેદીઓ પાસેથી અવારનવાર મળી આવતા મોબાઈલ ફોન તેમનાં સુધી પહોંચે છે ક્યાંથી? તે તપાસનો વિષય બન્યો છે.