ભરૂચમાં કોરોનાનો મૃત્યુદર ઘટતા રાહત
- 29 સપ્ટેમ્બર બાદ દિવસના સરેરાશ 1 થી 3 કોરોના દર્દીઓના મૃત્યુ નોંધાયા
- અગાઉ રોજનો સરેરાશ 7 દર્દીઓનો મૃત્યુદર હતો
- જિલ્લામાં કોરોનાના કેસમાં વધારો, જો કે, મૃત્યુદર ઘટના લોકોમાં રાહત
ભરૂચઃ જિલ્લામાં કોરોનાના કેસની સંખ્યા સતત વધી રહી છે, જો કે, રાહતના સમાચાર એ પણ સામે આવી રહ્યા છે કે, 25 સપ્ટેમ્બર બાદ કોરોનાનો મૃત્યુ દર ઘટ્યો છે. કોવિડ સ્મશાનગૃહમાંથી મળેલા આંકડા અનુસાર જુલાઈના અંતિમ સપ્તાહથી સપ્ટેમ્બરના અંતિમ સપ્તાહ સુધી સ્મશાનમાં દિવસના 10 સુધી કોરોના દર્દીઓના મૃતદેહની અંતિમક્રિયા કરાઈ હતી. જો કે, હવે 25 સપ્ટેમ્બર બાદ દૈનિક 1 થી 3 કોરોના દર્દીઓના મૃત્યુ સામે આવી રહ્યા છે.
જુલાઈના અંતથી ઓગસ્ટ અને સપ્ટેમ્બર સુધી અનેક વખત સ્મશાન નાનું પડ્યું હોવાની પરિસ્થિઓ સર્જાઈ હતી. 31 જુલાઈએ સૌથી વધુ એક દિવસમાં 11 લોકો મૃત્યુ પામ્યા હતા અને 6 ઓગસ્ટે 10 મૃતદેહ અંતિમક્રિયા માટે કોવીડ સ્મશાન લવાયા હતા. આ ઉપરાંત 7 થી 10 મૃત્યુ સુધીની પરિસ્થિતિ અનેકવાર સર્જાઈ ચુકી છે. વિશ્વભરમાં કોરોનાથી અનેક લોકો મૃત્યુ પામી ચુક્યા છે અને હજુ વેક્સીનને આવતા 3 મહિના જેટલો સમય લાગે તેવી શક્યતા છે, ત્યારે જિલ્લામાં હાલની સારવાર દરમિયાન નિયંત્રણમાં આવી રહેલા મૃત્યુ દરથી રાહત મળી રહી છે.