ભરૂચઃ ભરૂચ શહેરના હાર્દસમાં પંચબત્તી વિસ્તારમાં સોમવારે બપોરે બાઇક પર આવેલા 4 શખ્સોએ અંબિકા જવેલર્સમાં ઘુસી ફાયરિંગ કરતા બે પિતરાઈ ભાઈઓને ઇજા થઈ હતી. શહેરની મધ્યમાં લૂંટારુઓએ જવેલર્સની દુકાનને ધોળે દિવસે ટાર્ગેટ કરતા ખળભળાટ મચી ગયો છે. લૂંટની સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ હતી.
ભરૂચના પંચબત્તી વિસ્તારમાં અંબિકા જવેલર્સની દુકાન આવેલી છે. સોમવારે બપોરે 4 શખ્સોએ દુકાનમાં ઘુસી અને લૂંટની ઘટનાને અંજામ આપ્યો હતો. ભરબપોરે ફાયરિંગની ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે. ફાયરિંગ કર્યા બાદ 1 આરોપીનો પીછો કરવામાં આવતા તે પિસ્તોલ છોડી અને બાઈક લઈ ફરાર થઈ ગયા હતા. સમગ્ર ઘટના જવેલર્સની દુકાન અને પંચબત્તી પર લાગેલા 5થી વધુ CCTVમાં કેદ થઈ ગઈ હતી.
ભરબપોરે જવરલર્સની દુકાનમાં ફાયરિંગને લઈ પંચબત્તી સ્ટેશન રોડના સોનીઓમાં પણ સોપો પડી ગયો હતો. ઘટનાને પગલે પંચબત્તી ખાતે પોલીસ કાફલા સાથે ટોળે ટોળા ઉમટી પડતા ચક્કાજામ સર્જાયો હતો. ઇજાગ્રસ્તની પૂછપરછ અને આરોપીઓ અંગેનું પગેરું મેળવવાની પોલીસે કવાયત હાથ ધરી છે.
પાંચબત્તી વિસ્તારમાં જ ફાયરિંગ સાથે લૂંટની ઘટના બનતા ભરૂચ એસપી રાજેન્દ્રસિંહ ચુડાસમા સહિત ડીવાયએસપી તથા એ ડિવિઝન પોલીસ કાફલો તથા એલસીબી પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો.