ભરૂચઃ નર્મદા નદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી, જેના પગલે ઝગડિયા તાલુકાના નદી કિનારાના અનેક ગામોને વ્યાપક નુકસાન થયું હતું. પૂરના કારણે દક્ષીણ ગુજરાત વીજ કંપનીના ઉપકરણોને પણ નુકસાન થયું હતું. જો કે, પૂરના પાણી ઓસરી ગયાના 15 દિવસ જેટલો સમય વીત્યા બાદ પણ વિજપોલનું સમારકામ કરાયું નથી. જેથી ખેડૂતોને મુશ્કેલી પડી રહી છે.
ખેડૂતોને વિજળી ન મળતી હોવાના કારણે 15 દિવસથી પાણી નથી મળી રહ્યું, ત્યારે ખેડૂતોએ વાવેતર કરેલા પાકમાં નુકસાન થવાની ભીતિ સર્જાઈ છે. જેથી ઝગડિયા તાલુકાના રાણીપુરા, ઉચેડીયા, ગોવાલી સહિતના ગામોના ધરતીપુત્રોએ ઝગડિયા વીજ કચેરી ખાતે જઈ હલ્લો બોલાવ્યો હતો અને તેઓ દ્વારા ઉગ્ર રજૂઆતો કરવામાં આવી હતી.
ખેડૂતો દ્વારા રજૂઆત કરતા જણાવવામાં આવ્યું હતું કે, આ વિસ્તારના ખેડૂતોને ખુબ મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે, ત્યારે જો હવે પાણી નહી મળે તો ખેડૂતોનો ઉભો પાક બળીને ખાક થઇ જશે અને ધરતીપુત્રોએ રાતા પાણીએ રડવાનો વારો આવશે. ત્યારે વીજ કંપની દ્વારા તાત્કાલીક સમારકામ કરવામાં આવે અને આ વિસ્તારના ખેડૂતોને વહેલી તકે પાણી મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવે.
જો વીજ કંપની દ્વારા તાકીદે સમારકામ નહી કરવામાં આવે તો ખેડૂતો દ્વારા આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે, તો બીજી તરફ વીજ કચેરીના અધિકારીઓએ તાત્કાલીક સમારકામ કરવાની બાંહેધરી આપી હતી.