ભરુચઃ જિલ્લાના ભરૂચ સિવિલ હોસ્પિટલનાં ગાયનેકોલોજીસ્ટ ડૉ.બ્રિજેશ નારોલાનો કોરોના રિપોર્ટ પોઝિટિલ આવ્યા બાદ તેઓએ સારવાર લીધી હતી અને હવે ઘરે પરત ફર્યા છે. જે બાદ તેમણે ફરજ પર હાજર થવા તૈયારી બતાવી છે.
કોરોના વાઇરસ સામે દેશભરના તબીબો જંગ લડી રહ્યા છે, ત્યારે ભરૂચના એક તબીબની સાહસિકતા સામે આવી છે. ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ગાયનેકોલોજીસ્ટ તરીકે ફરજ બજાવતા ડૉ.બ્રિજેશ નારોલાનો કોરોના વાઇરસનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેઓને સારવાર અર્થે અંકલેશ્વરની સ્પેશિયલ કોવિડ જયાબેન મોદી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર બાદ તેઓના બે રિપોર્ટ નેગેટિવ આવતા તેઓને રજા આપવામાં આવી છે અને હાલ તેઓ પોતાન ઘરે છે, પરંતુ આ કોરોના વૉરીયરે ગંભીર બીમારીમાંથી સાજા થયા બાદ પણ ગજબની સાહસિકતા બતાવી છે.
તેમણે પરત સિવિલ હોસ્પિટલમાં પોતાની ફરજ પર હાજર થવા તૈયારી દર્શાવી છે અને આ માટે તંત્રને અપીલ પણ કરી છે. આ સાથે જ તેઓએ લોકોને કોરોના વાઇરસથી ગભરાવવા નહીં, પરંતુ સાવચેતી રાખવા અપીલ કરી છે. કોરોના વાઇરસની મહામારીમાં તબીબો દેવદૂત બનીને સામે આવ્યા છે, ત્યારે ભરૂચના આ તબીબ કોરોનાનો શિકાર થયા બાદ પણ તેમના તબીબી ધર્મને વળગી રહ્યા છે. તેઓની કાર્ય નિષ્ઠાને સો સો સલામ છે.