ભરુચઃ કોરોના સંક્રમણની અનેક માઠી અસર જોવા મળી રહી છે. જો કે આ કપરા સમયમાં ઇલેક્ટ્રોનિક્સનો બિઝનેસ કરતાં વેપારીઓનો વેપાર ધમધમી ઉઠ્યો છે. કોરોનાના સંક્રમણને અટકાવવા અપાયેલ લોકડાઉનમાં તમામ વેપાર રોજગાર મંદ પડ્યાં હતાં. જો કે અનલોકમાં વેપાર રોજગાર પાટા પર ચઢી રહ્યાં છે. ખાસ કરીને ઇલેક્ટ્રોનિક્સ ક્ષેત્રે ખાસ્સો ફાયદો જોવા મળી રહ્યો છે. કોરોનાના કહેર વચ્ચે શાળા કોલેજ બંધ છે જેના પગલે વિવિધ શાળા કોલેજ દ્વારા ઓનલાઇન શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. ઓનલાઇન શિક્ષણમાં કમ્પ્યુટર,લેપટોપ અથવા સ્માર્ટ ફોન આવશ્યક છે જેના પગલે વાલીઓએ વિદ્યાર્થીઓ માટે આવા ગેઝેટ ખરીદવાનું શરૂ કર્યું છે.
ભરૂચની વાત કરીએ તો ભરૂચમાં ગત વર્ષની સરખામણીએ આ વર્ષે લેપટોપ, કમ્પ્યૂટર અને સ્માર્ટ ફોનના વેચાણમાં 25 ટકાનો વધારો થયો છે. આ અંગે ભરૂચમાં કમ્પ્યૂટર અને લેપટોપના વિક્રેતા વિપુલ મામલતદારનાએ ઇટીવી ભારત સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે લોકડાઉન કરતાં હાલના સમયમાં વેપાર સારો છે, અને વાલીઓ વિદ્યાર્થીઓના ઓનલાઇન શિક્ષણ માટે કમ્પ્યૂટર અને લેપટોપની ખરીદી કરી રહ્યાં છે.