જૂનાગઢ: મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય ચૂંટણીને લઈને ચૂંટણી પંચ હરકતમાં આવ્યું છે. જેને કારણે આગામી દિવસોમાં જૂનાગઢ મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણી હાથ ધરાઈ શકે છે. ચૂંટણી પંચે તમામ 15 વોર્ડના મતદારો અને અનામત બેઠકને લઈને નોટિફિકેશન બહાર પાડ્યું છે. જૂનાગઢ મનપાની સામાન્ય ચૂંટણીને લઈને પ્રક્રિયા શરુ થઇ છે,જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય ચૂંટણી હવે કોઇ પણ સમયે જાહેર થાય તેવી શક્યતા ઉભી થઇ છે.
અનામત બેઠકોને લઇને પ્રાથમિક જાહેરનામું પ્રસિદ્ધ: રાજ્યના ચૂંટણી આયોગ દ્વારા જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનના તમામ પંદર વોર્ડ દીઠ નોંધાયેલા મતદારો વોર્ડની સંખ્યા અને વોર્ડમાં અનામત બેઠકોને લઈને તેમનું પ્રાથમિક જાહેરનામું બહાર પાડ્યું છે. ચૂંટણી પંચે જાહેરનામું બહાર પાડતા જ જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનની પાછલા 6 મહિના કરતાં વધુ સમયથી અટકી પડેલી સામાન્ય ચૂંટણીઓ હવે કોઈ પણ સમયે યોજાઈ શકે છે, તેવી શક્યતાઓ ઉજળી બની છે.
15 વોર્ડમાં ચૂંટણી પંચે કેટલા મતદારો જાહેર કર્યા?: જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનના તમામ 15 વોર્ડમાં ચૂંટણીપંચે સરેરાશ 21,297 જેટલા મતદારો જાહેર કર્યા છે, 60 બેઠકો પૈકી 50% એટલે કે, 30 બેઠકો મહિલાઓ માટે અનામત રાખવામાં આવી છે. જેમાં અનુસૂચિત જાતિ માટેની 5 બેઠકોમાંથી 3 બેઠકો પર અનુસૂચિત જાતિની મહિલા ઉમેદવારો માટે અનામત રાખી છે, ત્યારે બીજી તરફ કોર્પોરેશનના ઇતિહાસમાં પ્રથમ વખત અનુસૂચિત જનજાતિ માટે 1 બેઠક જાહેર કરી છે. તેને પણ મહિલા અનામત તરીકે વોર્ડ નંબર 15 માં અમલીકરણ થાય તે માટેનું જાહેરનામું પ્રસિદ્ધ કર્યુ છે.
20 બેઠકો બિનઅનામત જાહેર કરાઇ: આ સિવાય અન્ય પછાત વર્ગની 16 બેઠકો રાજ્યના ચૂંટણી પંચે જાહેર કરી છે. જેમાં 8-8 ની સંખ્યામાં સ્ત્રી અને પુરુષ ઉમેદવારો માટે આ બેઠકો અનામત રાખવામાં આવે છે. આ સિવાય 20 બેઠકો એવી છે કે, જેને બિનઅનામત જાહેર કરવામાં આવી છે. ચૂંટણી પંચના જાહેરનામા બાદ હવે જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય ચૂંટણીનો માર્ગ મોકળો થયો છે.
આ પણ વાંચો: