ભરૂચઃ ગુજરાતમાં છેલ્લા એક સપ્તાહમાં કોરોના વાઈરસના પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. અમેરિકા, ઇઝરાયેલ, બ્રાઝીલ સહિતના દેશો ભારત પાસે હાઈડ્રોક્સીક્લોરોક્વિનાઈન અને એઝીથ્રોમાઈસીન દવાની માંગણી કરી રહ્યા છે. આવા સંજોગોમાં ગુજરાત સરકારે એક મહત્વપુર્ણ અને ઐતિહાસિક પગલું ભર્યું છે.
અંકલેશ્વરના ફાર્મા ઉદ્યોગો કે જે બંને દવાઓનું ઉત્પાદન કરી શકવાની ક્ષમતા ધરાવે છે. તેમને માત્ર 24 કલાકમાં ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (જીપીસીબી)એ એન્વાયરમેન્ટ કલીયરન્સ સર્ટીફિકેટ ( EC) આપી દીધું છે.
જીપીસીબીના સભ્ય સચિવ એ.વી.શાહ તથા અન્ય અધિકારીઓએ પણ કોરોના વાઈરસની ગંભીરતા સમજી વહેલી તકે દવાઓનું ઉત્પાદન શરૂ થાય તેને પ્રાધાન્ય આપી સરકારના પ્રયાસોને બળવત્તર બનાવ્યાં છે.
સરકારના નિર્ણય બાદ આગામી દિવસોમાં અંકલેશ્વરની કંપનીઓ કોરોના વાઈરસને નાથવા માટેની દવાઓનું મહત્તમ ઉત્પાદન કરી શકશે તથા ભારત સહિત અન્ય દેશોને પણ મદદરૂપ બનશે. અંકલેશ્વરના ઉદ્યોગકારોએ સરકાર તથા જીપીસીબીના હકારાત્મક અને દેશહિતના નિર્ણયને આવકાર્યો છે. દેશના અર્થતંત્રને મજબુત બનાવવાની દિશામાં પોતાની કટીબધ્ધતા દર્શાવી છે.